ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. લખનૌમાં પહેલી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે આ મેચમાં પોતાની લીડ 2-0 સુધી લઈ જવાનો પ્રયાસ કરશે.
આ મેચ ઈશાન કિશન માટે ખાસ છે, કારણ કે રાંચી તેનું હોમ ગ્રાઉન્ડ છે અને તેણે અહીં મોટી ઇનિંગ્સ રમી છે. એટલે આ મેચમાં તેના પ્રદર્શન પર ચાહકોની નજર રહેશે.
મેચના એક દિવસ પહેલા એક ચાહકે ઈશાન કિશનને એક ખાસ સંદેશ મોકલ્યો હતો. સ્ટાર સ્પોર્ટ્સે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ઈશાન કિશન આ સંદેશ વાંચતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.
ચાહકના સંદેશમાં લખ્યું હતું, “એક કચોરી, દો સમોસા, ઈશાન કિશન પર હે પૂરા ભરોસા”. આ સંદેશ વાંચીને ઈશાન કિશન હસી પડ્યો હતો અને ચાહકની વાત સાથે સહમત પણ થયો હતો.
ઈશાન કિશન પર ભરોસો રાખવો એ વાજબી છે, કારણ કે તે ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યા પછી સતત રન બનાવી રહ્યો છે અને સારા ફોર્મમાં છે.
રાંચીના મેદાનની વાત કરીએ તો, ઈશાન કિશને અહીં દક્ષિણ આફ્રિકા સામેની ODIમાં 93 રન બનાવ્યા હતા, જેની મદદથી ભારત 7 વિકેટથી જીત્યું હતું. જોકે, તેણે આ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામેની T20માં ફક્ત 4 રન બનાવ્યા હતા. હવે તે આ મેદાન પર પોતાનો T20 રેકોર્ડ સુધારવાનો પ્રયાસ કરશે.
ઈશાન કિશને ગુરુવારે રાંચીમાં સખત પ્રેક્ટિસ કરી હતી, જેમાં તેણે ઘણા લાંબા છગ્ગા ફટકાર્યા હતા. પહેલી T20માં તેણે અણનમ 37 રન બનાવ્યા હતા, પરંતુ તે સારી લયમાં નહોતો. તેથી તેણે રાંચી પહોંચીને વધુ પ્રેક્ટિસ કરી છે. હવે રાંચીમાં તે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહ્યું.