ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચ પહેલાં ભારતીય ટીમને ફટકો પડ્યો છે. ઈજાના કારણે સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન વેલિંગ્ટનમાં 27 ઓક્ટોબરે રમાનારી મેચમાંથી બહાર થયો છે. BCCIએ સત્તાવાર રીતે આ માહિતી આપી છે.
BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, ઈશાન ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. તેને આ ઈજા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન થઈ હતી. તે હાલમાં મેચ રમવા માટે સંપૂર્ણપણે ફિટ નથી, તેથી વેલિંગ્ટન ખાતે 27 ઓક્ટોબરે રમાનારી ત્રીજી મેચમાં તે ભાગ લઈ શકશે નહીં. મેડિકલ ટીમ તેની રિકવરી પર સતત નજર રાખી રહી છે. કુમાર કુશાગ્ર ત્રીજી મેચ માટે પણ ટીમ સાથે જોડાયેલા રહેશે.
ઈશાન ઈજાગ્રસ્ત થતાં બીજી મેચમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ 11માં સ્થાન આપવામાં આવ્યું હતું. વૈભવને ત્રીજા ક્રમે બેટિંગ માટે ઉતારવામાં આવ્યો હતો, પરંતુ તે 8 બોલમાં માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, ઈશાનની ગેરહાજરીના કારણે 15 વર્ષીય વૈભવને ત્રીજી T20 મેચમાં પણ પ્લેઈંગ 11માં ફરી એકવાર રમવાની તક મળે તેવી પૂરી શક્યતા છે.
બીજી T20 મેચમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડે આપેલા 181 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને એક બોલ બાકી રાખીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી તિલક વર્માએ ધમાકેદાર બેટિંગનું પ્રદર્શન કરતાં માત્ર 26 બોલમાં 51 રનની અડધી સદી ફટકારીને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત નમન ધીરે 17 બોલમાં 31 રન અને નીતીશ કુમાર રેડ્ડીએ 13 બોલમાં અણનમ 26 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. આ શાનદાર જીત સાથે ટીમ ઈન્ડિયા 5 મેચની આ T20 શ્રેણીમાં 2-0થી આગળ ચાલી રહી છે.