ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર ઈશાન કિશન ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈજાના કારણે રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે આ માહિતી આપી હતી. ઈશાનને જમણા પગની જાંઘના અંદરના ભાગની એડક્ટર માંસપેશીઓમાં સામાન્ય ઈજા થઈ છે. મેડિકલ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી છે.
BCCIએ જણાવ્યું કે ઈશાન પ્રથમ T20I દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, તેને સાજા થવામાં કેટલો સમય લાગશે તે અંગે બોર્ડે કોઈ માહિતી આપી નથી.
ઈશાનની ઈજાના કારણે ટીમમાં એક સ્થાન ખાલી થયું છે, જેમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીને તક મળી શકે છે. બેટિંગ કોચ સિતાંશુ કોટકે જણાવ્યું કે ઈશાનની ગેરહાજરીમાં વૈભવને પ્લેઇંગ-11માં સ્થાન મળવાની શક્યતા છે.
કેપ્ટન શ્રેયસ અય્યરે પહેલા કહ્યું હતું કે વૈભવે ડ્રેસિંગ રૂમમાં ખુશ રહેવું જોઈએ. તે ખૂબ યુવાન છે અને તેની પાસે ઘણા વર્ષો સુધી તકો મળશે. અય્યરે એમ પણ કહ્યું હતું કે વૈભવ હમણાં સીધા ટીમમાં આવી શકે તેમ નથી, કારણ કે ટીમના ઓપનરો સતત રન બનાવી રહ્યા છે અને તેઓએ વર્લ્ડ કપ જીત્યો છે.
ઉલ્લેખનીય છે કે ઈશાન કિશન ICC T20 રેન્કિંગમાં નંબર-1 બેટર છે. તે આ વર્ષે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 1 જાન્યુઆરી 2026થી અત્યાર સુધી 35 T20 મેચમાં 1159 રન બનાવ્યા છે. જોકે, ન્યૂઝીલેન્ડ સામેની પહેલી મેચમાં તે માત્ર એક રન બનાવી શક્યો હતો. ભારતે આ મેચ 4 વિકેટે જીતી હતી અને 226 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો, જે T20માં ભારતનો સૌથી મોટો રન ચેઝ છે.
વૈભવ સૂર્યવંશી ભારત માટે છેલ્લે એશિયાડની ફાઈનલમાં પાકિસ્તાન સામે રમ્યો હતો. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચમાં તક મળી નહોતી. હવે ઈશાનની ઈજાને કારણે તેને તક મળવાની શક્યતા છે.