સત્ય. સાહસ. સંકલ્પ.

દુલીપ ટ્રોફી ફાઇનલ: ઇશાન કિશનની 250 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ, ગર્લફ્રેન્ડની પ્રેમ ભરી પોસ્ટ વાઇરલ

દુલીપ ટ્રોફી ફાઇનલ: ઇશાન કિશનની 250 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ, ગર્લફ્રેન્ડની પ્રેમ ભરી પોસ્ટ વાઇરલ

ચેન્નઈમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોનના કેપ્ટન ઇશાન કિશને બેવડી સદી (ડબલ સેન્ચુરી) ફટકારીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે. તેણે 270 બોલમાં 26 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 250 રન બનાવ્યા હતા અને થાકને કારણે રિટાયર્ડ હર્ટ થઈને મેદાન છોડ્યું હતું.

આ ઇનિંગ ઇશાન માટે ખાસ છે કારણ કે તેણે લગભગ 10 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. અગાઉ 2016માં રણજી ટ્રોફીમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. ફર્સ્ટ ક્લાસ કરિયરમાં આ તેની 10મી સદી છે, જે દિલ્હી સામે રમાયેલી 273 રનની ઇનિંગ બાદ મહત્વની છે.

ઇશાનની આ શાનદાર ઇનિંગ બાદ તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અને મોડેલ અદિતિ હુંડિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, “ચેન્નઈની આ ગરમીમાં 250 રન બનાવવા સહેલા નથી. આ ઇનિંગની સાચી મહાનતા રનમાં નહીં, પરંતુ તમારી હિંમત, હાર ન માનવાની જીદ અને સંઘર્ષ કરવાની ક્ષમતામાં છે. મને તારા પર ગર્વ છે, ઇશુ.” આ પોસ્ટને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

મેચમાં ઇસ્ટ ઝોને ટી-બ્રેક સુધીમાં 6 વિકેટે 626 રન બનાવ્યા છે. કુમાર કુશાગ્રાએ 132 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 101 રનની સદી ફટકારી, પરંતુ તે ચામા મિલિંદની બોલિંગમાં વિજયના હાથે કેચ આઉટ થયો. વૈભવ સૂર્યવંશીએ 37 બોલમાં 44 રન બનાવ્યા, જ્યારે અભિમન્યુ ઇશ્વરને 72 અને શિખર મોહને 85 રનની ઇનિંગ રમી. સૂર્યવંશી અને ઇશ્વરન વચ્ચે પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી થઈ હતી.

સાઉથ ઝોન તરફથી ચામા મિલિંદ અને ત્રિપુરાના વિજયે 2-2 વિકેટ લીધી છે. જોકે, મોહમ્મદ સિરાજ 17 ઓવરમાં 109 રન આપીને પણ એક પણ વિકેટ ન મેળવી શક્યા, જે ટીમ માટે ચિંતાનો વિષય છે.

અદિતિ હુંડિયા, જે વ્યવસાયે મોડેલ છે, તેના પિતા જયપુરમાં ઘીના વેપારી છે. તે મિસ દીવા 2018ની વિજેતા અને ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. 2019 IPL દરમિયાન સ્ટેન્ડમાં તેની હાજરી બાદ ઇશાન સાથેના તેના સંબંધોની ચર્ચાઓ શરૂ થઈ હતી, અને ત્યારથી બંને વારંવાર સાથે જોવા મળે છે.