કેરળના કોંગ્રેસ સાંસદ શશી થરૂરના પુત્ર અને અમેરિકામાં પત્રકાર તરીકે કાર્યરત ઈશાન થરૂરે સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા એક અમેરિકન યુઝરને આકરો જવાબ આપ્યો છે. ઈશાને ઐતિહાસિક તથ્યો ટાંકીને સમજાવ્યું કે ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ અમેરિકામાં તેના આગમન પહેલાં થઈ ગયો હતો.
ઘટના એવી બની કે જેસી હ્યુ નામના સોશિયલ મીડિયા યુઝરે હનુમાનજીની પ્રતિમાની તસવીર શેર કરીને લખ્યું, 'જ્યારે આપણે જીતીશું, ત્યારે આને તોડી પાડવાના છીએ.' આ પોસ્ટ પર ઈશાન થરૂરે પ્રતિક્રિયા આપતાં કહ્યું, 'ખબર નથી કે આ મૂર્ખને એ ખબર છે કે નહીં કે ભારતમાં ખ્રિસ્તી ધર્મ, અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ આવ્યાના 1500 વર્ષથી પણ વધુ સમય પહેલા આવી ગયો હતો. ભારતમાં હજારો ચર્ચ છે. છતાં અમેરિકા હનુમાનજીની એક મૂર્તિ પણ સહન નથી કરી શકતું? દરેક જગ્યાએ ધાર્મિક રાષ્ટ્રવાદીઓ જ દુનિયાના સૌથી નબળા અને ઓછું આત્મસન્માન ધરાવતા લોકો હોય છે.'
ઈશાન થરૂરનો જન્મ 1984માં સિંગાપુરમાં થયો હતો. તેમના જોડિયા ભાઈનું નામ કનિષ્ક છે. તેઓ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બાબતો અને વૈશ્વિક રાજકારણ પર લખે છે. તાજેતરમાં વોશિંગ્ટન પોસ્ટમાં છટણી બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. 2026માં તેમણે 'ગ્લોબલ નોટ્સ' નામની આંતરરાષ્ટ્રીય રાજકીય કોલમ શરૂ કરી છે. આ પહેલા તેઓ લગભગ એક દાયકા સુધી વોશિંગ્ટન પોસ્ટમાં 'વર્લ્ડ વ્યુ' કોલમ લખતા હતા. 2021માં અમેરિકન એકેડેમી ઓફ ડિપ્લોમસીએ તેમને 'આર્થર રોસ મીડિયા એવોર્ડ ફોર કોમેન્ટ્રી'થી સન્માનિત કર્યા હતા, જ્યારે 2024માં તેમને 'ટેડ સોરેન્સન એવોર્ડ' મળ્યો. તેઓ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં 2026-27 માટે એડવર્ડ આર. મુરો પ્રેસ ફેલો છે.
ઈશાને 2006માં યેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો, જ્યાં તેમને સેડલર ફેલોશિપ મળી હતી. તે જ વર્ષે તેમણે ટાઈમ મેગેઝિનથી પત્રકારત્વની શરૂઆત કરી. 2014માં ટાઈમ છોડ્યા બાદ તેઓ વોશિંગ્ટન ડીસીમાં 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં જોડાયા. આ ઉપરાંત 2018થી 2020 વચ્ચે તેમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીના 'સ્કૂલ ઓફ ફોરેન સર્વિસ'માં 'ગ્લોબલ અફેર્સ ઈન ધ ડિજિટલ એજ' વિષય પણ ભણાવ્યો હતો.