સત્ય. સાહસ. સંકલ્પ.

ઈશા અંબાણીએ પહેરી ₹9.56 લાખની ચણિયાચોળી, 10 કારીગરોએ 2000 કલાકમાં તૈયાર કરી

ઈશા અંબાણીએ પહેરી ₹9.56 લાખની ચણિયાચોળી, 10 કારીગરોએ 2000 કલાકમાં તૈયાર કરી

અંબાણી પરિવારે નવરાત્રિ પહેલાં 'દેવી શક્તિ' ઉત્સવનું આયોજન કર્યું હતું. સ્વદેશ ઇરોસને એક વર્ષ પૂરું થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ જોવા મળ્યા હતા. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તો અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીએ, જેમણે ઝરદોઝી અને આભલાંથી ભરપૂર ચણિયાચોળી પહેરી હતી.

આ ચણિયાચોળી 90 દિવસથી વધુ સમયમાં તૈયાર થઈ છે અને તેની કિંમત ₹9,56,500 છે. તોરાણી બ્રાન્ડે સ્વદેશ સાથે મળીને આ ભવ્ય લુક તૈયાર કર્યો છે. 10 કારીગરોએ 90 દિવસથી વધુ સમય સુધી પેઇન્ટિંગ કરી અને અંદાજે 2,000 કલાકથી વધુ કારીગરી કરીને આ ચણિયાચોળીને માસ્ટરપીસ બનાવી છે.

આઇવરી-બેજ રંગના શુદ્ધ સિલ્ક પર આંધ્રપ્રદેશની કલમકારી અને ઓડિશાનું પટ્ટચિત્ર દોરવામાં આવ્યું છે. આ ચિત્રો પર ઝરદોઝી, સિક્વિન, ફ્રેન્ચ નોટ્સ, મોતીકામ, આભલાં, લટકણ અને ટાટલ્સનું કામ કરીને તેમને જીવંત બનાવવામાં આવ્યાં છે. ઘેરદાર ચણિયા સાથે શર્ટ-સ્ટાઇલ ચોલીએ આ સમૃદ્ધ લેયર્ડ આઉટફિટની શોભા વધારી છે. ઈંટ જેવા લાલ રંગના દુપટ્ટાએ માટી અને ગરબાનો અહેસાસ કરાવ્યો છે.

રાસ-ગરબા અને કૃષ્ણ એકબીજાથી જોડાયેલા છે. આ ભાવને દર્શાવવા માટે ઈશાની ચણિયાચોળીમાં રાધા-કૃષ્ણની રાસલીલા કંડારવામાં આવી છે. ચણિયાની દરેક કલીમાં રાધા-કૃષ્ણના પ્રેમ, રાસલીલા અને ભક્તિની ઝલક જોવા મળે છે. રાસલીલા ઉપરાંત ગરબાનો તાલ, દાંડિયાના અથડામણનો સાદ અને સાથે મળીને નૃત્ય કરવાના સમર્પણની વાત પણ આ ચણિયાચોળીમાં વણાઈ છે.

ઈશાએ આ ચણિયાચોળી સાથે માતા નીતા અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી દાગીનાં પહેર્યાં હતાં. તેમણે બે લેયરવાળો નેકલેસ પહેર્યો હતો, જેમાં ઉપરના ભાગે ગોલ્ડન કુંદર અને બારીક કામવાળું પોલકી ચોકર અને નીચે ત્રિકોણાકાર બ્લુ-લીલા રંગના મીનાકારી અને જડતર કામવાળું સ્ટેટમેન્ટ હેગિંગ ચોકર હાર હતો. આ આઉટફિટમાં મોરની ડિઝાઇનવાળી એમ્બ્રોઇડરી અને જડતરવાળા ઇયરકફે ચાર ચાંદ લગાવી દીધા હતા. તેની સાથે નીચે મોતી અને ઝીણાં ઝુમખાં લટકતાં હતાં. તેમણે મોરપંખ રંગની મીનાકારી અને સોનાના જાડા પાટલા પણ પહેર્યાં હતાં. સાથે જ કુંદન અને ડાયમન્ડવાળી સ્ટેટમેન્ટ રિંગ પણ પહેરી હતી.

જ્વેલરી અને આઉટફિટના મેક્સિમલિઝમ લુકને પૂર્ણ કરવા ઈશાએ વાળમાં રંગબેરંગી પોમ-પોમ, લટકણ, કોડી, છીપલાં અને દેશી મોતીઓથી સજાવેલો પરંપરાગત ગૂંથણ શૈલીનો પરાંદો પહેર્યો હતો, જેણે આખા લુકને ઉત્સવમય અને રોયલ બનાવ્યો હતો.