અંબાણી પરિવારે નવરાત્રિ પહેલાં 'દેવી શક્તિ' ઉત્સવનું આયોજન કર્યું હતું. સ્વદેશ ઇરોસને એક વર્ષ પૂરું થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીએ. તેમણે ઝરદોઝી અને આભલાંથી મઢેલી ચણિયાચોળી પહેરી હતી, જેની કિંમત ₹9,56,500 છે.
આ ચણિયાચોળી તૈયાર કરવામાં 90 દિવસથી વધુ સમય લાગ્યો છે. તોરાણી બ્રાન્ડે સ્વદેશ સાથે મળીને આ ભવ્ય લુક તૈયાર કર્યો છે. 10 કારીગરોએ 90 દિવસથી વધુ સમય સુધી પેઇન્ટિંગ અને અંદાજે 2,000 કલાકથી વધુની કારીગરી કરીને તેને માસ્ટરપીસ બનાવ્યું છે.
આઇવરી-બેજ રંગના શુદ્ધ સિલ્ક પર આંધ્રપ્રદેશની કલમકારી અને ઓડિશાનું પટ્ટચિત્ર દોરવામાં આવ્યું છે. આ ચિત્રો પર ઝરદોઝી, સિક્વિન, ફ્રેન્ચ નોટ્સ, મોતી કામ, આભલાં, લટકણ અને ટાટલ્સનું કામ કરીને તેને જીવંત બનાવવામાં આવ્યું છે. ઘેરદાર ચણિયા સાથે શર્ટ-સ્ટાઇલ ચોલીએ આ સમૃદ્ધ લેયર્ડ આઉટફિટની શોભા વધારી છે. ઈંટ જેવા લાલ રંગના દુપટ્ટાએ માટી અને ગરબાની અનુભૂતિ કરાવી છે.
રાસ-ગરબા અને કૃષ્ણ અભિન્ન છે. આ ભાવને દર્શાવવા માટે ઈશાની ચણિયાચોળીમાં રાધા-કૃષ્ણની રાસલીલા કંડારવામાં આવી છે. ચણિયાની દરેક કલીમાં રાધા-કૃષ્ણના પ્રેમ, રાસલીલા અને ભક્તિની ઝલક જોવા મળે છે. રાસલીલા ઉપરાંત ગરબાનો તાલ, દાંડિયાના અથડામણનો સાદ અને સાથે મળીને નૃત્ય કરવાના સમર્પણની વાત પણ આ ચણિયાચોળીમાં વણી લેવામાં આવી છે.
ઈશાએ આ ચણિયાચોળી સાથે માતા નીતા અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી દાગીના પહેર્યા હતા. તેમણે બે લેયરવાળો નેકલેસ પહેર્યો હતો, જેમાં ઉપરના ભાગે ગોલ્ડન કુંદર અને બારીક વર્કવાળું પોલકી ચોકર અને નીચે ત્રિકોણાકાર બ્લુ-લીલા રંગના મીનાકારી અને જડતર કામવાળું સ્ટેટમેન્ટ હેગિંગ ચોકર હાર હતો. આ આઉટફિટમાં મોરની ડિઝાઇનવાળી એમ્બ્રોઇડરી અને જડતરવાળા ઇયરકફે ચાર ચાંદ લગાવ્યા હતા. તેની સાથે નીચે મોતી અને ઝીણાં ઝુમખાં લટકતાં હતાં. તેમણે મોરપંખ રંગની મીનાકારી અને સોનાના જાડા પાટલા પહેર્યા હતા. સાથે જ કુંદન અને ડાયમન્ડવાળી સ્ટેટમેન્ટ રિંગ પણ પહેરી હતી.
જ્વેલરી અને આઉટફિટના મેક્સિમલિઝમ લુકને પૂર્ણ કરવા ઈશાએ વાળમાં રંગબેરંગી પોમ-પોમ, લટકણ, કોડી, છીપલાં અને દેશી મોતીઓથી સજાવેલો પરંપરાગત ગૂંથણ શૈલાનો પરાંદા પહેર્યો હતો, જેણે આખા લુકને ઉત્સવમય અને રોયલ ટચ આપ્યો હતો.