અમદાવાદના ઈસનપુરમાં આસો સુદ તેરસના દિવસે વારાહી માતાજીની પલ્લીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પરંપરા 200 વર્ષથી વધુ જૂની છે. ઈસનપુરના પટેલવાસમાં પલ્લી તૈયાર કરવામાં આવે છે. રાત્રે ગ્રામજનો ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. સવારે પલ્લીને વળાવવામાં આવે છે. આ ઉત્સવમાં આખું ગામ જોડાય છે, જાણે દરેક ઘરે કોઈ પ્રસંગ હોય તેવો માહોલ સર્જાય છે.
ઈસનપુરની પલ્લી સાથે કાચી કેરી ધરાવવાની અનોખી પરંપરા જોડાયેલી છે. સામાન્ય રીતે કેરી ઉનાળામાં મળે છે, પરંતુ અહીં પલ્લીના પ્રસંગે કાચી કેરી માતાજીની માંડવીમાં ધરાવવામાં આવે છે. માન્યતા છે કે દેવીપૂજક સમાજના એક વ્યક્તિને માતાજીએ સ્વપ્નમાં આ પ્રેરણા આપી હતી. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
પલ્લી સાથે ચુરમાના લાડુના પ્રસાદની પણ વિશેષ પરંપરા છે. ગામમાં કોઈના ઘરે દુઃખદ ઘટના બની હોય તો પણ માતાજી માટે ચુરમાના લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ પરંપરા માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધાનું પ્રતીક છે.
ગાંધીનગરના રૂપાલમાં યોજાતી વારાહી માતાજીની પલ્લી ઘીના અભિષેક માટે જાણીતી છે. તેવી જ રીતે અમદાવાદના ઈસનપુરમાં પણ પલ્લીનો ઉત્સવ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો અવસર પણ છે. પેઢી દર પેઢી જળવાતી આ પરંપરા આજે પણ ગ્રામજનોને એકસાથે જોડે છે.