ઝારખંડ સરકારમાં કોંગ્રેસના કોટાના આરોગ્ય મંત્રી ડૉ. ઈરફાન અંસારીના એક નિવેદનથી દેશના રાજકારણમાં વિવાદ સર્જાયો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો કે દેશમાં આશરે 40 લાખ યુવાનો રસ્તા પર ઉતરવા તૈયાર છે અને તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ જ હાલમાં આ યુવાનોને રોકી રાખ્યા છે.
મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણી આપતાં કહ્યું કે જો સમયસર પરિસ્થિતિ સંભાળવામાં નહીં આવે તો ભારતની સ્થિતિ બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.
ઇન્ટરવ્યૂમાં તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમના મતે દેશમાં યુવાનો, ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગ, દલિતો અને આદિવાસીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે દેશમાં 13 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવી રહ્યા છે.
આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ આકરો પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ તેને અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર ગણાવ્યું અને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિનું ઉદાહરણ ગણાવ્યું. ભાજપના અન્ય પ્રવક્તા પ્રતુલ શાહદેવે નિવેદનને રાષ્ટ્રવિરોધી ગણાવીને કેન્દ્ર સરકાર પાસે મંત્રી સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
વિશ્વ હિંદુ પરિષદે પણ ઈરફાન અંસારી પર ભડકાઉ નિવેદન આપવા અને રાષ્ટ્રવિરોધી માનસિકતા ધરાવવાનો આક્ષેપ કર્યો છે. VHPએ તેમને ઝારખંડ સરકારના મંત્રીમંડળમાંથી તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષની સંયુક્ત રેલીની પણ ટીકા કરી હતી.