નવી દિલ્હી: ભારતીય વીમા નિયમનકાર IRDAI (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) એ વીમાધારકો માટે એક નવી ડિજિટલ વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વ્યવસ્થા હેઠળ તમામ વીમા પોલિસી અને ક્લેમ સંબંધિત માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આનાથી સામાન્ય લોકોને જુદી જુદી કંપનીઓ કે ઑફિસોના ધક્કા ખાવા નહીં પડે.
આ નવી વ્યવસ્થાને 'પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રી' (PIR) નામ આપવામાં આવ્યું છે. તે વીમા ક્ષેત્ર માટે એક કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ હશે, જેમાં ગ્રાહકોને તેમની પોલિસી, ક્લેમની સ્થિતિ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મળી શકશે.
IRDAIએ આ પ્રસ્તાવ પર સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો અને અભિપ્રાય મંગાવ્યા છે. નિયમનકાર સંસ્થા દ્વારા ડેટા સુરક્ષા અને ગ્રાહકોની પ્રાઇવસી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગ્રાહકોની સંમતિ મેળવવા અને ટેકનિકલ વ્યવસ્થા ઊભી કરવા અંગે પણ સલાહ-સૂચનો માંગવામાં આવ્યા છે.
જો PIRનો અમલ થશે, તો સામાન્ય નાગરિકો માટે વીમાની માહિતી મેળવવાનું કામ સરળ અને પારદર્શક બની જશે. આ પ્લેટફોર્મથી લોકો યોગ્ય માહિતી મેળવી શકશે અને તેમને વિવિધ કંપનીઓની ઑફિસોના ધક્કા ખાવા નહીં પડે.