ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ આશરે 1228 પોઈન્ટ ઘટીને 73,600ના સ્તરે બંધ થયો હતો. બીએસઈના 30 શેરો ધરાવતા આ ઈન્ડેક્સમાં લગભગ તમામ શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી પણ 375 પોઈન્ટ ઘટીને 23,070 પર આવી ગયો હતો.
બજારમાં આ ઘટાડા પાછળ વીમા નિયામક IRDAIનો મોટો હાથ હોવાનું કહેવાય છે. IRDAIએ વીમા વિતરણમાં સુધારા માટે 'Recalibrating Economics of Insurance Distribution' નામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવનો હેતુ બેંકો દ્વારા બળજબરીથી વીમો વેચવા પર અંકુશ લગાવવો, વીમા કંપનીઓના ખર્ચ ઘટાડવા અને કમિશન પર મર્યાદા (કેપ) લગાવવાનો છે.
IRDAIના આ પ્રસ્તાવમાં કમિશન પર કેપ, બળજબરીથી વીમો વેચવા પર પ્રતિબંધ અને પોલિસી વેચવાની 'ડાર્ક પેટર્ન્સ' પર અંકુશની વાતો સામે આવી છે. આ પગલાં ગ્રાહકો માટે ફાયદાકારક ગણાય છે, પરંતુ તેનાથી વીમા કંપનીઓ, બ્રોકર ફર્મો અને બેંકોના નફા પર અસર પડી શકે છે. આ જ કારણોસર આજે બેંકિંગ અને વીમા ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
IRDAIના પ્રસ્તાવના કારણે આજે 12 નાણાકીય શેરોને ભારે નુકસાન થયું છે. તેમના માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ મળીને લગભગ 1.12 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. સૌથી વધુ અસર બજાજ ફાઈનાન્સ પર થઈ, જેની માર્કેટ વેલ્યૂમાં આશરે 29,000 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તે પછી PB ફિનટેકને 20,000 કરોડ, HDFC બેન્કને 15,000 કરોડ અને એક્સિસ બેન્કને 14,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આજે વીમા કંપનીઓના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. કુલ 1.12 લાખ કરોડના નુકસાનમાં વીમા સંબંધિત શેરોનો હિસ્સો આશરે 38,100 કરોડ રૂપિયા રહ્યો હતો. HDFC લાઈફની માર્કેટ વેલ્યૂમાં આશરે 7,600 કરોડનો ઘટાડો થયો હતો. મેક્સ ફાઇનાન્શિયલ, ICICI પ્રુડેન્શિયલ લાઈફ અને ટર્ટલમિન્ટની માર્કેટ વેલ્યૂમાંથી અનુક્રમે આશરે 6,800 કરોડ, 3,000 કરોડ અને 802 કરોડ રૂપિયા ઘટ્યા હતા. નુકસાન પામનારા શેરોમાં L&T ફાઇનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક અને AU સ્મોલ ફાઇનાન્સ બેન્કનો પણ સમાવેશ થાય છે.