વીમા નિયમનકાર IRDAIએ એક નવો પ્રસ્તાવ જાહેર કરતાં ગુરુવારે શેરબજારમાં વીમા કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પોલિસી બજાર (PB Fintech)ના શેર 36 ટકા સુધી તૂટ્યા છે, જ્યારે ટર્ટલમિન્ટના શેરમાં 20 ટકા અને HDFC Life તથા ICICI Prudential Life જેવા મોટા શેરોમાં પણ 20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે પણ આ શેરો પર દબાણ ચાલુ રહ્યું હતું.
નિયમનકારના આ પ્રસ્તાવથી વીમા કંપનીઓ અને તેમના ડિસ્ટ્રિબ્યુટર્સની આવક, નફો અને માર્જિન ઘટે તેવી શક્યતા હોવાથી રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે.
IRDAIના પોલિસી પેપરમાં શું છે?
કમિશન પર ફરી મર્યાદા: IRDAIએ લાઇફ, હેલ્થ અને મોટર ઇન્શ્યોરન્સમાં પ્રોડક્ટ અને ડિસ્ટ્રિબ્યુશન ચેનલના આધારે કમિશનની મર્યાદા ફરી લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 2023માં કમિશન પરની સેગમેન્ટવાર મર્યાદા હટાવવામાં આવી હતી.
હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સમાં કમિશનમાં કાપ: નિષ્ણાતોના મતે, નવા પ્રસ્તાવમાં હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સના નવા બિઝનેસ પર મળતા કમિશનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. કેટલાક કિસ્સામાં આ કાપ એક-તૃતીયાંશથી બે-તૃતીયાંશ સુધીનો હોઈ શકે છે.
લાઇફ ઇન્શ્યોરન્સ કમિશનનું વિતરણ: હાલમાં પોલિસી વેચતી વખતે જ મોટા ભાગનું કમિશન આપી દેવામાં આવે છે. પ્રસ્તાવ મુજબ, આ કમિશનને પોલિસીના સમગ્ર સમયગાળા દરમિયાન તબક્કાવાર વહેંચવાની ભલામણ કરાઈ છે, જેથી ડિસ્ટ્રિબ્યુટર્સની શરૂઆતની કમાણી અને કંપનીઓની આવક પર અસર પડશે.
સંચાલન ખર્ચ (EoM)ની મર્યાદા ઘટાડવી: IRDAIએ એક્સપેન્સિસ ઓફ મેનેજમેન્ટ (EoM)ને વધુ તાર્કિક બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જનરલ ઇન્શ્યોરન્સ માટે પાંચ વર્ષમાં EoMની મર્યાદા GWPના 30%થી ઘટાડીને ડોમેસ્ટિક GDPIના 20% સુધી લાવવાનું સૂચન છે.
લોન સાથે ફરજિયાત વીમા વેચાણ પર રોક: બેંકો અને NBFCs દ્વારા લોન આપતી વખતે ગ્રાહકોને વીમો લેવા માટે મજબૂર કરવા પર રોક લગાવવાનો પ્રસ્તાવ છે. આનાથી બેંકોની ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુશન ફી ઇન્કમ પર નકારાત્મક અસર પડશે.
ડાર્ક પેટર્ન અને ગેરમાર્ગે દોરતી ડિઝાઈન પર પ્રતિબંધ: કંપનીઓ એવી કોઈપણ ડિઝાઈન કે પ્રક્રિયાનો ઉપયોગ કરી શકશે નહીં જેનાથી ગ્રાહકો ભ્રમિત થાય કે કોઈ ચોક્કસ વિકલ્પ પસંદ કરવા મજબૂર બને.
આ પ્રસ્તાવ કેમ લાવવામાં આવ્યો?
IRDAIના આ કડક પગલાં પાછળના મુખ્ય કારણો આ પ્રમાણે છે:
• વીમા વેચાણમાં થતી 'મિસ-સેલિંગ' (ગેરમાર્ગે દોરીને વેચાણ) અટકાવવી.
• ગ્રાહકો માટે વીમાની પડતર કિંમત ઓછી કરવી.
• ગ્રાહકને સ્પષ્ટ ખબર પડે કે તેનો પૈસો ક્યાં અને શા માટે જઈ રહ્યો છે (પારદર્શકતા).
• બેંકમાંથી લોન લેતી વખતે પરાણે વીમો પધરાવી દેવાની ફરિયાદો પર કાયમી રોક લગાવવી.
ઉલ્લેખનીય છે કે આ અંગેના સંકેતો જુલાઈ મહિનામાં જ સામે આવ્યા હતા, જ્યારે રોયટર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે IRDAI કમિશન વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે આ પ્રસ્તાવ સામે આવતાં જ બજારમાં તેની વ્યાપક નકારાત્મક અસર જોવા મળી રહી છે.