ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) એ મોટર વીમા માટે નવું ચાર-સ્તરીય માળખું જાહેર કર્યું છે, જે 15 ડિસેમ્બર, 2026થી અમલમાં આવશે. આ નિયમ હેઠળ ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ અલગ-અલગ વીમા કવરેજ પસંદ કરી શકશે. વીમા કંપનીઓ ગ્રાહકોને બધા કવરેજ એકસાથે ખરીદવા માટે દબાણ કરી શકશે નહીં.
નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય વીમાને સરળ અને પારદર્શક બનાવવાનો છે, જેથી ગ્રાહકો જાણી શકે કે તેઓ કઈ સુવિધા માટે કેટલી રકમ ચૂકવી રહ્યા છે. હાલમાં ઘણા ગ્રાહકોને ખબર હોતી નથી કે તેમની પોલિસીમાં કયા કયા કવરેજનો સમાવેશ થાય છે.
IRDAIએ ખાનગી કાર અને ટુ-વ્હીલર માટે મોટર વીમાને ચાર વિભાગમાં વહેંચ્યો છે. વીમા કંપનીઓએ દરેક કવરેજ વિશે અલગથી માહિતી આપવી પડશે.
થર્ડ પાર્ટી લાયબિલિટી કવર: આ કવર ફરજિયાત રહેશે. જો તમારું વાહન બીજી વ્યક્તિને અથવા તેમની મિલકતને નુકસાન પહોંચાડે, તો વીમા કંપની આ કવર હેઠળ વળતર આપવા જવાબદાર રહેશે.
પેસેન્જર અને પિલિયન કવર: આ કવર વૈકલ્પિક રહેશે. તે કારમાં બેસતા મુસાફરો અને પાછળ બેઠેલા સવારોની કાનૂની જવાબદારીને આવરી લેશે. આ કવર હેઠળ આવરી લેવાયેલા મુસાફરોની સંખ્યા વાહન નોંધણી સમયે દર્શાવેલી બેઠકોની સંખ્યા પર આધારિત રહેશે. જોકે, આ કવરમાં વાહન માલિક અને તેના નજીકના પરિવારજનો—માતાપિતા, જીવનસાથી અને બાળકો—નો સમાવેશ થતો નથી. તેમના માટે અલગ નિયમો લાગુ પડશે.
વ્યક્તિગત અકસ્માત કવર: આ કવર વાહનના નોંધાયેલા માલિક માટે ફરજિયાત રહેશે. જોકે, અન્ય મુસાફરો અને ડ્રાઇવર માટે વધારાનું કવરેજ ગ્રાહકને ઉપલબ્ધ રહેશે.
પોતાનું નુકસાન કવર: આ કવર તમારી પોતાની કાર કે બાઇકને થયેલા નુકસાનને આવરી લે છે. આ કવર પણ વૈકલ્પિક રહેશે.
નવા નિયમો હેઠળ વીમા કંપનીઓએ દરેક કવરનું પ્રીમિયમ અલગથી જાહેર કરવું પડશે. ગ્રાહકોને સમગ્ર પોલિસીની કુલ રકમ જ નહીં, પરંતુ દરેક કવરની અલગ કિંમત જણાવવામાં આવશે. ઉદાહરણ તરીકે, થર્ડ-પાર્ટી વીમાનો પ્રીમિયમ, વ્યક્તિગત અકસ્માત કવરની કિંમત અને પોતાના નુકસાન કવરની કિંમત સ્પષ્ટ રીતે જણાવવામાં આવશે.
હાલના પોલિસી ધારકોને પણ ફાયદો થશે. જો તમારી પાસે પહેલેથી જ ફક્ત થર્ડ-પાર્ટી મોટર વીમો છે, તો તમારે તમારી હાલની પોલિસી રદ કરવાની જરૂર નથી. નવા નિયમો હેઠળ તમે વધારાનું પ્રીમિયમ ચૂકવીને તમારી પોલિસીમાં પેસેન્જર અને પિલિયન કવર ઉમેરી શકશો. આ સુવિધા એવા લોકો માટે ઉપયોગી થશે જેમણે પહેલા ઓછા ખર્ચે ફક્ત જરૂરી વીમો ખરીદ્યો હતો, પરંતુ હવે તેઓ મુસાફરોની સુરક્ષા પણ વધારવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે નેશનલ ઇન્શ્યોરન્સ કંપની વિરુદ્ધ થુંગલા ધના લક્ષ્મી કેસમાં વિવિધ મોટર વીમા કવરેજને સ્પષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તે પછી IRDAIએ આ નવી રચના લાગુ કરવાનો નિર્ણય લીધો. નવા નિયમો ગ્રાહકોને મોટર વીમો ખરીદવામાં વધુ સ્વતંત્રતા આપશે અને દરેક કવરેજની ચોક્કસ કિંમત જાણવાથી બિનજરૂરી ખર્ચ ટાળવામાં મદદ મળશે.