સત્ય. સાહસ. સંકલ્પ.

કાર વીમામાં નવો નિયમ: આ ભૂલ કરશો તો પરિવારને વળતર નહીં મળે

કાર વીમામાં નવો નિયમ: આ ભૂલ કરશો તો પરિવારને વળતર નહીં મળે

ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ તમામ ખાનગી કાર અને ટુ-વ્હીલર માટે ચાર સ્તરીય વીમા પોલિસી ફરજિયાત કરી છે. આ પોલિસીમાં ચાર અલગ-અલગ વિભાગ હશે, અને ગ્રાહકે દરેક વિભાગ માટે અલગથી ટિક કરવું પડશે. જો યોગ્ય વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો અકસ્માતની સ્થિતિમાં પરિવારના સભ્યોને વીમાનું વળતર મળી શકશે નહીં.

આ ફેરફાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લાવવામાં આવ્યો છે. 4 ઓગસ્ટ, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે 'નેશનલ ઈન્શ્યોરન્સ વિરુદ્ધ થુંગાલા ધન લક્ષ્મી' કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં કારના માલિક ટી. રામુ પોતાની કારમાં મુસાફર તરીકે બેઠા હતા ત્યારે એક અજાણી ટ્રકે ટક્કર મારતાં તેમનું મૃત્યુ થયું હતું. કારનો 'કોમ્પ્રિહેન્સિવ વીમો' હોવા છતાં વીમા કંપનીએ ક્લેમ નકારી કાઢ્યો હતો કે માલિકે મુસાફર તરીકે જોખમ આવરી લેવા માટે અલગ પ્રીમિયમ ચૂકવ્યું ન હતું. તેલંગાણા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે વીમા કંપનીની અપીલ ફગાવી દીધી અને IRDAIને પોલિસીની શરતો સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો.

નવી પોલિસીમાં ચાર વિભાગ હશે. તેમાંથી વિભાગ-1 અને વિભાગ-3 વાહન માલિક માટે ફરજિયાત રહેશે, જ્યારે બાકીના વિકલ્પો ગ્રાહકની પસંદગી પર રહેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ફેરફારથી કુલ પ્રીમિયમમાં મોટો ઘટાડો થવાની શક્યતા નથી, કારણ કે જૂના કવચને જ વધુ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

વીમા નિષ્ણાતોના મતે ગ્રાહકોએ વિભાગ-2 અને વિભાગ-3 વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. વિભાગ-2 હેઠળ નજીકના પરિવારજનોને બાકાત રાખવામાં આવ્યા છે. જો તમે કાર ચલાવતા હોવ અને અકસ્માતમાં તમારા માતા-પિતા, જીવનસાથી કે બાળકોને ઈજા થાય અથવા મૃત્યુ થાય, તો આ વિભાગ હેઠળ કોઈ વળતર મળશે નહીં. પરિવારના સભ્યોની સલામતી માટે વિભાગ-3 હેઠળ 'ઓપ્શનલ પર્સનલ એક્સિડન્ટ કવર' અલગથી પસંદ કરવું પડશે. આ કવચ હેઠળ અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાનું વળતર અકસ્માતના છ મહિનાની અંદર કાનૂની દાવા વગર ચૂકવવામાં આવે છે. હવે વાહન માલિકનું ફરજિયાત કવર માત્ર વાહન ચલાવતી વખતે જ નહીં, પરંતુ માલિક પોતાની કારમાં મુસાફર તરીકે બેઠો હોય કે વાહનમાં ચડતો-ઉતરતો હોય ત્યારે પણ લાગુ પડશે. શરત એટલી જ કે માલિક પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને વાહન વ્યક્તિગત નામે હોવું જરૂરી છે.

તેથી, કાર વીમો લેતી વખતે દરેક વિભાગ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને ટિક કરવો જરૂરી છે, અન્યથા જરૂરિયાત સમયે વીમા કવચ મળી શકશે નહીં.