ભારતીય વીમા નિયમન અને વિકાસ પ્રાધિકરણ (ઇરડા)એ વીમા ક્ષેત્રને વધુ પારદર્શક બનાવવા અને ગ્રાહકો પરનો બોજ ઘટાડવા એક નવો મુસદ્દો જારી કર્યો છે. આ મુસદ્દામાં મોટર અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર એજન્ટો અને ડિસ્ટ્રિબ્યુટરોને મળતા કમિશનમાં ઘટાડો સૂચવવામાં આવ્યો છે. જો આ નિયમો લાગુ થશે, તો વીમા ધારકોને પ્રીમિયમમાં સીધો ફાયદો થશે.
હાલમાં હેલ્થ ઇન્સ્યોરન્સના પહેલા વર્ષે ડિસ્ટ્રિબ્યુટરને 40 ટકા સુધીનું કમિશન મળે છે. ઇરડાએ આ કમિશન ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એજન્ટોને પહેલા વર્ષે 20 ટકા કમિશન મળશે. પોલિસી રિન્યુઅલ વખતે ડિસ્ટ્રિબ્યુટરને 5 ટકા અને એજન્ટને 10 ટકા કમિશન આપવાની જોગવાઈ છે, જ્યારે અગાઉ રિન્યુઅલ પર 10થી 15 ટકા કમિશન મળતું હતું. જાણકારોના મતે, અગાઉ જીએસટીમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને સીધો નહોતો મળ્યો, પરંતુ હવે આ નવા નિયમોથી પ્રીમિયમમાં સીધો લાભ મળી શકશે.
ઇરડાએ મિસ-સેલિંગ (ગેરમાર્ગે દોરીને વીમો વેચવાની પ્રથા) સામે પણ કડક વલણ લીધું છે. નવા નિયમ મુજબ, બેંકમાંથી લોન લેતી વખતે ગ્રાહકોને કોઈપણ પ્રકારનો બિનજરૂરી કે ફરજિયાત ન હોય તેવો વીમો વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે. આ પગલાથી લોન લેનારા સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળશે અને તેઓ બિનજરૂરી વીમાના ખર્ચથી બચી શકશે.
છેલ્લા બે વર્ષમાં મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં 34 ટકા અને તેના કમિશનમાં 259 ટકા સુધીનો જંગી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2025માં મોટર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેટે 29,000 કરોડ રૂપિયા વસૂલાયા હતા, જેમાંથી 7,050 કરોડ રૂપિયા માત્ર કમિશનમાં જ ગયા હતા. ઘણી જગ્યાએ ગ્રાહકો પાસેથી 50 ટકા સુધીનું કમિશન વસૂલાતું હોવાનું સામે આવ્યું છે.
આ સ્થિતિ સુધારવા ઇરડાએ કાર ડીલરોનું કમિશન ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે જ, તમામ કાર ડીલરો માટે તેમના શોરૂમમાં જાહેર જનતા માટે એક ક્યૂઆર સ્કેનર રાખવું ફરજિયાત બનાવવામાં આવશે. આ ક્યૂઆર સ્કેન કરીને ગ્રાહક સીધા 'વીમા સુગમ પોર્ટલ' પર જઈને જાતે જ થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ ખરીદી શકશે. ડીલરોએ ગ્રાહકોને આ પોર્ટલ વિશે માહિતી આપવી પણ ફરજિયાત રહેશે.