ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ઓનલાઇન ખાવાનું મંગાવતી વખતે સાવધાન રહેવાની સલાહ આપી છે. IRCTCએ 14 અનધિકૃત ફૂડ ડિલિવરી વેબસાઇટની યાદી જાહેર કરી છે અને મુસાફરોને આ વેબસાઇટનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.
IRCTCના જણાવ્યા અનુસાર, આ અનધિકૃત વેબસાઇટ દ્વારા ખાવાનું મંગાવવાથી ખરાબ ગુણવત્તાવાળો ખોરાક મળી શકે છે, જેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે બેન્કની માહિતી, PNR નંબર અને ઈ-મેલ જેવી અંગત માહિતી લીક થવાનો અને સાયબર છેતરપિંડીનો ભય પણ રહે છે.
કેટલીક અનધિકૃત વેબસાઇટ એવા રેસ્ટોરાં પાસેથી ખાવાનું મંગાવે છે જેમની પાસે જરૂરી ફૂડ લાઇસન્સ નથી અથવા જે FSSAIના નિયમોનું પાલન કરતા નથી. આવા સ્થળોએ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી.
IRCTCએ મુસાફરોને નીચેની 14 વેબસાઇટથી દૂર રહેવાની સલાહ આપી છે:
- RAILRESTRO.COM
- RAILRESTRO.IN
- RAILMITRA.COM
- TRAVELKHANA.COM
- TRAINSCAFE.COM
- DIBRAIL.COM
- RAILFOOD.NET
- TRAVELERFOOD.COM
- FOODONTRACK.IN
- ECATERING.APP
- KHANAONLINE.IN
- TRAINWAY.IN
- RAILMEAL.COM
- TRAINMENU.COM
ટ્રેનમાં ખાવાનું ઓર્ડર કરવા માટે મુસાફરો IRCTCની સત્તાવાર ઈ-કેટરિંગ વેબસાઇટ ecatering.irctc.co.in પર જઈને PNR નંબર દાખલ કરીને ખાવાનું બુક કરાવી શકે છે. આ ઉપરાંત, IRCTCની સત્તાવાર 'Food on Track' મોબાઇલ એપ ડાઉનલોડ કરીને પણ ઓર્ડર આપી શકાય છે. મુસાફરો ઈ-કેટરિંગ હેલ્પલાઇન નંબર 1323 પર ફોન કરીને પણ પોતાની સીટ પર ખાવાનું મંગાવી શકે છે. IRCTCએ Zomato, Swiggy, Zoop, RailYatri અને RailRecipe જેવા અધિકૃત ફૂડ ડિલિવરી પાર્ટનર દ્વારા જ ખાવાનું બુક કરાવવાની સલાહ આપી છે.
મુસાફરોએ ઓનલાઇન ખાવાનું મંગાવતી વખતે વેબસાઇટની અધિકૃતતા તપાસવી જરૂરી છે, જેથી છેતરપિંડીથી બચી શકાય.