સત્ય. સાહસ. સંકલ્પ.

IRCTC હોટેલ ટેન્ડર કેસ: લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 9 સામે આરોપો ઘડાયા

IRCTC હોટેલ ટેન્ડર કેસ: લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 9 સામે આરોપો ઘડાયા

નવી દિલ્હી: IRCTC હોટેલ ટેન્ડર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે ગુરુવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને પત્ની રાબડી દેવી સહિત કુલ નવ આરોપી સામે આરોપો ઘડ્યા છે. આ સાથે કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.

કોર્ટે અવલોકન કર્યું કે લાલુ યાદવ સામેની તપાસ રાજકીય રીતે પ્રેરિત જણાતી નથી. કોર્ટે નોંધ્યું કે લારા પ્રોજેક્ટ્સને જે રીતે લાભ મળ્યો તેના પરથી લાલુ યાદવની ભૂમિકા અંગે શંકા ઊભી થાય છે. ભૂતપૂર્વ રેલવે મંત્રી તરીકે તેમના દ્વારા હોદ્દાના દુરુપયોગની પ્રબળ શંકા કોર્ટે વ્યક્ત કરી છે.

આ કેસમાં લાલુ પરિવાર ઉપરાંત સરલા ગુપ્તા, લારા પ્રોજેક્ટ્સ અને સુજાતા હોટેલ્સ સામે પણ આરોપો ઘડવામાં આવ્યા છે. જોકે, કોર્ટે સાત આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા છે. તેમાં ગૌરવ ગુપ્તા, નાથ મલ કાકરાનિયા, રાહુલ યાદવ, વિજય ત્રિપાઠી અને દેવકી નંદન તુલસ્યનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજીવ કુમાર રેલન અને મેસર્સ અભિષેક ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને પણ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલો 2004 થી 2009 વચ્ચેના સમયગાળાનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આરોપ છે કે તેમના કાર્યકાળ દરમિયાન રાંચી અને પુરીમાં બે IRCTC હોટેલ્સના સંચાલન અને જાળવણી માટેના કરાર સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરીને ‘સુજાતા હોટેલ્સ’ નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યા હતા. EDનો આરોપ છે કે સુજાતા હોટેલ્સે કથિત ભ્રષ્ટાચારના બદલામાં જમીનનો સોદો કર્યો હતો. પટનામાં આવેલો કિંમતી ‘બેનામી’ પ્લોટ સરલા ગુપ્તા મારફતે નજીવી રકમમાં ‘લારા પ્રોજેક્ટ્સ’ને હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો. આ કંપની લાલુ યાદવનાં પત્ની રાબડી દેવી અને તેમના નાના પુત્ર તેજસ્વીની માલિકીની છે.

કોર્ટના આ ચુકાદા બાદ હવે આ કેસમાં ટ્રાયલ (મુખ્ય સુનાવણી) આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે.