ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર 2026ના રોજ એકતાનગરમાં IRCTCની નવી હોટેલનું લોકાર્પણ કરશે. આ હોટેલ એકતાનગર રેલવે સ્ટેશન નજીક આશરે બે એકર વિસ્તારમાં ₹52.50 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. હોટેલમાં 127 રૂમ છે, જે પ્રવાસીઓને રહેવા માટે ગુણવત્તાયુક્ત સુવિધા પૂરી પાડશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવામાં યોગદાન આપશે.
હોટેલમાં ચાર પ્રકારના રૂમ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ સુવિધા, સ્વિમિંગ પૂલ અને આકર્ષક પરિસર ઉપલબ્ધ છે. રેલવે સ્ટેશન નજીક હોવાથી રેલવે મુસાફરોને પણ આ સુવિધાનો લાભ મળશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી 3 કરોડથી વધુ પ્રવાસીઓ એકતાનગર આવી ચૂક્યા છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિક હોટેલ અને આતિથ્ય સુવિધાઓનું વિસ્તરણ મહત્વપૂર્ણ બન્યું છે.
નવી હોટેલથી રહેવાની સુવિધા ઉપરાંત હોટેલ સંચાલન, હાઉસકીપિંગ, ખાણીપીણી અને અન્ય સેવાઓમાં પ્રત્યક્ષ રોજગારીની તકો પણ ઊભી થશે. હોટેલ, રેસ્ટોરન્ટ અને કોન્ફરન્સ સુવિધાઓ ઉપલબ્ધ થવાથી પ્રવાસીઓ એક દિવસની મુલાકાતને બદલે એકતાનગરમાં વધુ સમય રોકાવા પ્રેરાશે, જેથી સ્થાનિક વેપાર-ધંધાને લાભ મળશે.
કોન્ફરન્સ અને કાર્યક્રમોની સુવિધાથી કોર્પોરેટ મીટિંગ, પરિષદો અને સામાજિક પ્રસંગોના આયોજનની નવી તકો ઊભી થશે. એકતાનગરને આધુનિક અને સર્વાંગી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.