સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન પર થયેલા ડ્રોન હુમલાની તપાસમાં ઈરાકી સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઈરાકે તે સ્થળ શોધી કાઢ્યું છે, જ્યાંથી ડ્રોન ઉડાડીને હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ડ્રોન લૉન્ચ પેડ અને સંબંધિત ઉપકરણો કબજે કર્યા છે. ઈરાકે સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની ધરતીનો ઉપયોગ કોઈ અન્ય દેશ વિરુદ્ધ હુમલા કરવા માટે નહીં થવા દે.
ઈરાકની સિક્યોરિટી મીડિયા સેલના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ સાદ માને જણાવ્યું કે, ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓની સંયુક્ત ટીમે આ બાબતે કામ કર્યું હતું. ચોક્કસ માહિતી એકત્ર કર્યા બાદ ટીમે એ જગ્યા ટ્રેક કરી લીધી હતી, જ્યાંથી ડ્રોન લૉન્ચ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. સુરક્ષા દળોએ સ્થળ પર પહોંચીને ડ્રોન લૉન્ચિંગ સિસ્ટમ અને ઉપકરણો પોતાના કબજામાં લીધા છે. જોકે, ઈરાકી અધિકારીઓએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે, લૉન્ચ સાઈટ પર કયા લોકો હાજર હતા અથવા આ હુમલામાં કયા ચોક્કસ સંગઠનની ભૂમિકા હતી.
ઈરાકે આ બાબતને માત્ર પોતાનો આંતરિક સુરક્ષાનો મુદ્દો નથી માન્યો. સાઉદી અરેબિયાની સુરક્ષા એજન્સીઓ સાથે સીધા સંપર્કમાં રહીને હુમલા અંગેની તમામ માહિતી શેર કરવામાં આવી રહી છે. લેફ્ટનન્ટ જનરલ સાદ માને જણાવ્યું કે, ઈરાકી અધિકારીઓ સાઉદી અધિકારીઓ સાથે સતત વાટાઘાટો કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય અને સુરક્ષા સહયોગ વધારી શકાય. આ ઘટનાક્રમ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન દેશના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુખ્ય આધાર છે. આ પાઈપલાઈન પરના હુમલાની અસર માત્ર સુરક્ષા પૂરતી સિમિત નથી રહેતી, પરંતુ વૈશ્વિક ઓઈલ સપ્લાય અને પ્રાદેશિક બજાર પર પણ તેની સીધી અસર પડે છે.
આ ઘટના બાદ ઈરાકે પોતાની સાર્વભૌમત્વ અને સુરક્ષા નીતિ અંગે કડક સંદેશ આપ્યો છે. લેફ્ટનન્ટ જનરલ સાદ માને કહ્યું કે, દેશની નીતિ 'પ્રિવેન્ટિવ સાર્વભૌમત્વ' (Preventive Sovereignty) ની છે. તેમના જણાવ્યા મુજબ, ઈરાકની જવાબદારી માત્ર પોતાની સીમાઓની અંદર થતા હુમલા રોકવાની નથી, પરંતુ પોતાની જમીનનો ઉપયોગ કોઈ અન્ય દેશ પર હુમલો કરવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવાની પણ છે. ઈરાક કોઈ પ્રોક્સી વોર (Proxy War) માં ઘસડાવા માંગતું નથી.
સાઉદી ઓઈલ પાઈપલાઈનને નિશાન બનાવવાની આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વિવિધ જૂથો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, કબજે કરાયેલા લૉન્ચ સાધનો અને ઈન્ટેલિજન્સ વિગતોના આધારે તપાસકર્તાઓ હુમલાખોરો સુધી કેટલી ઝડપથી પહોંચી શકે છે.