સત્ય. સાહસ. સંકલ્પ.

ઇરાની કપ 2026: ઋષભ પંતની કેપ્ટન્સીમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું

ઇરાની કપ 2026: ઋષભ પંતની કેપ્ટન્સીમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું

રેસ્ટ ઓફ ઇન્ડિયાએ 2026 ઇરાની કપનો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલ મુકાબલામાં ઋષભ પંતની આગેવાનીવાળી ટીમે રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું.

બંને ઇનિંગ્સમાં કેપ્ટન ઋષભ પંતનું બેટ ન ચાલ્યું, પરંતુ તેમણે શાનદાર કપ્તાની કરી. વાઇસ કેપ્ટન સરફરાઝ ખાને પહેલી ઇનિંગ્સમાં 45 રન બનાવ્યા, પણ બીજી ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થયો. મુકેશ કુમાર અને સ્મરણ રવિચંદ્રન રેસ્ટ ઓફ ઇન્ડિયાની જીતના હીરો રહ્યા.

રેસ્ટ ઓફ ઇન્ડિયાએ પહેલી ઇનિંગ્સમાં માત્ર 237 રન બનાવ્યા. જવાબમાં જમ્મુ-કાશ્મીરે 278 રન બનાવીને 41 રનની લીડ લીધી. બીજી ઇનિંગ્સમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ 319 રન બનાવીને જમ્મુ-કાશ્મીર સામે 278 રનનો ટાર્ગેટ મૂક્યો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી જમ્મુ-કાશ્મીર ટીમ ડ્રો કરાવીને ટ્રોફી જીતી શકી હોત, પણ મુકેશ કુમાર અને આકાશ દીપની ઘાતક બોલિંગ સામે તે માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુકેશ કુમારે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી, જ્યારે આકાશ દીપને 3 સફળતા મળી.

ઓપનિંગ બેટ્સમેન શુભમ ખજૂરિયા (32) અને કામરાન ઇકબાલ (32)એ પહેલી વિકેટ માટે 54 રન જોડીને શાનદાર શરૂઆત આપી. આકાશ દીપે ઇકબાલને LBW આઉટ કરીને આ ભાગીદારી તોડી. મુકેશે લંચ પહેલાં 15મી ઓવરમાં સતત બે બોલમાં શુભમ પુંડીર અને કેપ્ટન પારસ ડોગરા (ઝીરો)ને આઉટ કરીને જમ્મુ-કાશ્મીરને બે ઝાટકા આપ્યા.

લંચ સમયે જમ્મુ-કાશ્મીરનો સ્કોર 19 ઓવરમાં ત્રણ વિકેટે 89 રન હતો. ખજૂરિયા 36 અને અબ્દુલ સમદ 6 રન બનાવીને ક્રીઝ પર હતા. લંચ પછીના પહેલા જ બોલ પર આકાશ દીપે ખજૂરિયાને પેવેલિયન ભેગો કર્યો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરની ઇનિંગ્સ લથડી ગઈ અને આગામી 9 ઓવરમાં માત્ર 22 રન બનાવીને 6 વિકેટ ગુમાવી દીધી.

મેચમાં આકાશ દીપના પ્રદર્શનથી ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ ખુશ થશે. તેમણે કુલ 23.3 ઓવર બોલિંગ કરીને 6 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખતા આ પ્રદર્શન મહત્વનું માનવામાં આવે છે. ઇજામાંથી બહાર આવ્યા પછી તેઓ હવે સિલેક્શન માટે સંપૂર્ણ ફિટ દેખાઈ રહ્યા છે.