સત્ય. સાહસ. સંકલ્પ.

યુદ્ધ ખતમ કરવા ઈરાન તૈયાર, અમેરિકા સામે ત્રણ શરતો મૂકી

યુદ્ધ ખતમ કરવા ઈરાન તૈયાર, અમેરિકા સામે ત્રણ શરતો મૂકી

અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધનો અંત લાવવા માટે ઈરાને ફરી એકવાર વાતચીતનો રસ્તો અપનાવ્યો છે. ઈરાને મધ્યસ્થી દેશો સમક્ષ કેટલીક ચોક્કસ શરતો મૂકી છે, જેના આધારે તે અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે. જોકે, આ શાંતિના પ્રયાસ વચ્ચે ઈરાને અમેરિકા તરફથી થઈ શકે તેવી સૈન્ય કાર્યવાહી સામે આકરી જવાબી કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.

ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસીન રેઝાઈએ એક મુલાકાતમાં જણાવ્યું કે, તેઓ અમેરિકા સાથે ફરી વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ઈરાનની શરતોમાં તમામ મોરચે યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો, વિદેશોમાં ફ્રીઝ કરાયેલા ઈરાની નાણાં મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવાનો સમાવેશ થાય છે. હાલમાં કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થીઓ સાથે આ અંગે ચર્ચા ચાલી રહી છે. હવે ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.

બીજી તરફ, ઈરાનના સૈન્ય કમાન્ડને બાતમી મળી છે કે અમેરિકા કેટલાક સ્થાનિક દેશોના સમર્થનથી ઈરાન વિરુદ્ધ ફરી સૈન્ય કાર્યવાહીની તૈયારીમાં છે. ઈરાની સેનાએ સખત ચેતવણી આપતા કહ્યું છે કે જો અમેરિકા કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો આ વિસ્તારમાં રહેલા અમેરિકી સૈન્ય થાણાઓ અને તેના હિતો પર સતત વળતા પ્રહારો કરવામાં આવશે. આ ઉપરાંત, અમેરિકાને સાથ આપનારા દેશોને પણ આ સંઘર્ષમાં સીધા સામેલ ગણીને નિશાન બનાવવામાં આવશે.

ઈરાને માત્ર અમેરિકા સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોહસીન રેઝાઈએ ઉમેર્યું હતું કે ઈરાન સાઉદી અરેબિયા અને યમન વચ્ચેના યુદ્ધનો અંત લાવવામાં મદદરૂપ બનવા તૈયાર છે. આ સિવાય તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ અને સંઘર્ષને સમાપ્ત કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે.