સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાન-અમેરિકા તણાવ વધ્યો: કેશ્મ નજીક માછીમારી બોટ પર હુમલાનો આરોપ, ઈરાને વળતરની ચેતવણી આપી

ઈરાન-અમેરિકા તણાવ વધ્યો: કેશ્મ નજીક માછીમારી બોટ પર હુમલાનો આરોપ, ઈરાને વળતરની ચેતવણી આપી

ઈરાને અમેરિકા પર હોર્મોઝગાન પ્રાંતના કેશ્મ ટાપુ નજીક બે માછીમારી બોટ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ હુમલામાં બે માછીમારો લાપતા થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. જોકે, અમેરિકા તરફથી આ ઘટના અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

આ ઘટના બાદ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ દુશ્મનના કોઈપણ ખતરા સામે તાત્કાલિક જવાબ આપવા સૈન્યને સ્પષ્ટ આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાનના જવાબી હુમલા માટે કોઈ ભૌગોલિક સીમા નહીં હોય. જો દુશ્મન દેશો દ્વારા ફરી લશ્કરી કે આતંકી હુમલો કરવામાં આવશે, તો નવો સંઘર્ષ ક્યારે અને કઈ શરતો પર સમાપ્ત થશે તે ઈરાન પોતે નક્કી કરશે.

સુપ્રીમ લીડરે ઈરાની સશસ્ત્ર દળોને અમેરિકી અને ઈઝરાયેલી લશ્કરી મથકો અને સંસાધનોને નિશાન બનાવવા માટે ટાર્ગેટ લિસ્ટ તાત્કાલિક અપડેટ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, દેશમાં દારૂગોળો અને શસ્ત્રોનું ઉત્પાદન ઝડપી બનાવવા, લશ્કરી ગુપ્તચર ક્ષમતા મજબૂત કરવા અને સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવા પણ જણાવાયું છે.

આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઈરાન સામે લશ્કરી કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. અહેવાલો મુજબ, અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર નવેસરથી હુમલા અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ટોચના લશ્કરી અધિકારીઓએ રાષ્ટ્રપતિ સમક્ષ વિવિધ વિકલ્પો રજૂ કર્યા છે. બીજી તરફ, ઈઝરાયેલ પણ આ સંભવિત સૈન્ય કાર્યવાહીને લઈને પોતાની તૈયારીઓ ઝડપી બનાવી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.