સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાને ભૂગર્ભ મિસાઈલ સિટીનો વીડિયો બહાર પાડ્યો, અમેરિકા-ઇઝરાયલ સાથે તણાવ વધ્યો

ઈરાને ભૂગર્ભ મિસાઈલ સિટીનો વીડિયો બહાર પાડ્યો, અમેરિકા-ઇઝરાયલ સાથે તણાવ વધ્યો

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ નવી ભૂગર્ભ મિસાઈલ સિટીનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો તેમજ તેમને લોન્ચ કરવાની સિસ્ટમો જોઈ શકાય છે. IRGC સાથે સંકળાયેલી સમાચાર એજન્સી તસ્નીમે મંગળવારે આ વીડિયો બહાર પાડ્યો હતો. જોકે, આ ભૂગર્ભ સ્થળ ક્યાં આવેલું છે, તેમાં કેટલી મિસાઈલો છે અને કયા પ્રકારની મિસાઈલો છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, ઈરાનના લગભગ 90% મિસાઈલ ભંડારો ભૂગર્ભમાં બનાવવામાં આવ્યા છે અને તે હજુ પણ કાર્યરત છે. હવાઈ હુમલા પછી પણ આ ભંડારો સુરક્ષિત છે.

આ ભૂગર્ભ મિસાઈલ સિટીના ઉદ્ઘાટન સમારંભમાં ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અલી અબ્દુલ્લાહી અને IRGCના કમાન્ડર બ્રિગેડિયર જનરલ માજિદ મૌસવી હાજર રહ્યા હતા. મંગળવારે શેર કરાયેલા વીડિયોમાં ભૂગર્ભ કોરિડોરમાં વિવિધ પ્રકારનાં હથિયારો જોઈ શકાય છે.

ઈરાને આ વીડિયો એવા સમયે બહાર પાડ્યો છે જ્યારે અમેરિકા તેના પર પ્રતિબંધો ચાલુ રાખ્યા છે અને તેની નૌકાદળ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી રહી છે. ગલ્ફ ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ સિટી દ્વારા ઈરાન એવો સંદેશ આપવા માંગે છે કે હુમલાઓ વચ્ચે પણ તેની સૈન્ય શક્તિ અકબંધ છે.

ઈરાન જમીનની નીચે મિસાઈલો બનાવવાની અને સંગ્રહ કરવાની વ્યવસ્થા દ્વારા પોતાના હથિયારોને હવાઈ હુમલાઓથી બચાવવા માંગે છે. આ માટે તે સૈન્ય મથકોને જુદી-જુદી જગ્યાએ બનાવીને જમીનની નીચે છુપાવી રહ્યું છે.

કાર્યક્રમ દરમિયાન IRGC કમાન્ડર માજિદ મૌસવીએ ચેતવણી આપી હતી કે જરૂર પડ્યે ઈરાન પોતાના દુશ્મનોના ઠેકાણાઓ પર સમગ્ર વિસ્તારમાં અને તેની બહાર પણ હુમલો કરી શકે છે.

ઈરાન પાસે હાલમાં કેટલી મિસાઈલો બચી છે તે સ્પષ્ટ નથી. ઈરાનની સૈન્ય શક્તિમાં મિસાઈલોની મહત્ત્વની ભૂમિકા છે. જોકે, અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓ પછી તેની પાસે કેટલી મિસાઈલો બચી છે અને ભૂગર્ભ ઠેકાણાઓમાં કેટલી રાખવામાં આવી છે તેનો ચોક્કસ આંકડો જાહેર થયો નથી.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે 2022માં ઈરાન પાસે 3,000થી વધુ બેલિસ્ટિક મિસાઈલો હોવાનો અંદાજ લગાવ્યો હતો. લાંબા સમય સુધી આ આંકડાને તેના મિસાઈલ ભંડારનો આધાર માનવામાં આવતો હતો. જાહેર અહેવાલો અનુસાર, હવે ઈરાન પાસે 2,000થી ઓછી બેલિસ્ટિક મિસાઈલો બચી હોઈ શકે છે. આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયલી સેનાએ તેની પાસે આશરે 2,500 મિસાઈલો હોવાનો અંદાજ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે ઈરાન દર મહિને ડઝનબંધ નવી મિસાઈલો બનાવી રહ્યું છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, યુદ્ધ શરૂ થયા પહેલાં ઈરાન પાસે આશરે 2,500 મિસાઈલો હતી. તેમાંથી હવે લગભગ 1,000થી 1,500 મિસાઈલો જ ઉપયોગ કરવા યોગ્ય બચી છે.

IRGCના પ્રવક્તા હુસૈન મોહેબીએ જણાવ્યું કે ઈરાને મિસાઈલ અને ડ્રોન બનાવતી ફેક્ટરીઓને જમીનની ઉપરથી હટાવીને ભૂગર્ભ ઠેકાણાઓમાં ખસેડી દીધી છે. તેમણે આ સ્થળોને માત્ર હથિયારો રાખવાના ઠેકાણા નહીં, પરંતુ ‘મિસાઈલ બનાવતાં શહેરો’ ગણાવ્યાં. મોહેબીના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે હથિયારો બનાવવાની પોતાની ટેક્નોલોજી છે, જેના કારણે ભારે બોમ્બમારો થવા છતાં તે મિસાઈલ અને ડ્રોન બનાવવાનું કામ ચાલુ રાખી શકે છે.

ઈરાનની IRGC એરોસ્પેસ ફોર્સ મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોની જવાબદારી સંભાળે છે. જમીનની નીચે ફેક્ટરીઓ અને ભંડારો બનાવવાનો હેતુ તેમને હવાઈ હુમલાથી બચાવવાનો અને હુમલા પછી પણ મિસાઈલ બનાવવાની તથા લોન્ચ કરવાની ક્ષમતા જાળવી રાખવાનો છે.