અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે નવા લશ્કરી અભિયાનના સંકેત આપ્યા છે, જેને પગલે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ટ્રમ્પની આ ધમકીના જવાબમાં ઈરાને ખાડી ક્ષેત્રમાં દરિયાની અંદર પથરાયેલી ઈન્ટરનેટ સબમરીન કેબલ્સને નિશાન બનાવીને તેને નષ્ટ કરવાની કડક ચેતવણી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન જણાવ્યું હતું કે, અમેરિકા ઈરાન વિરુદ્ધ વધુ એક નાનું 'એપિક ફ્યુરી' ઓપરેશન પ્લાન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 'એપિક ફ્યુરી' એ અમેરિકી સેના દ્વારા ઈરાન સામે 28 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા યુદ્ધને અપાયેલું નામ છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, ઈરાની સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે, જો અમેરિકા અને ઈઝરાયલ મળીને ફરી હુમલો કરશે, તો ઈરાન દરિયાની અંદર બિછાવેલા ઈન્ટરનેટ કેબલ્સને સંપૂર્ણપણે બર્બાદ કરી દેશે, અને આ માટે ઈરાને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, 'અમે આ યુદ્ધને ખૂબ જ ઝડપથી પૂરું કરી શકીએ છીએ. સવાલ એ છે કે, શું અમે તેને અત્યારે જ પૂરું કરવા માંગીએ છીએ કે, પછી તેને પોતાની મેળે નબળું પડવા દેવા માંગીએ છીએ.' તેમણે ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલનો પુરવઠો સતત ચાલુ છે.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈઝરાયલની સેનાઓએ અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પછી ઈરાન પર ફરીથી મોટા હુમલા કરવાની યોજના ઘડી રાખી છે. આ હુમલાના સંભવિત નિશાનામાં ઈરાનની ઉર્જા માળખાકીય સુવિધાઓ, પરમાણુ મથકો અને મિસાઈલ તથા ડ્રોન ડેપો સામેલ હોઈ શકે છે. આ દરમિયાન બ્રિટન, ફ્રાન્સ, જર્મની, તુર્કી, સાઉદી અરેબિયા અને ઈટાલી સહિતના દેશોએ ચેતવણી આપી છે કે, નવા હુમલાથી વૈશ્વિક સ્તરે ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે.