ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવમાં હજુ રાહતના સંકેત દેખાતા નથી. આ વચ્ચે ઈરાને કડક વલણ અપનાવતાં અમેરિકા સામે સાત શરતો મૂકી છે. ઈરાનના સુરક્ષા વડા મોહસેન રેઝાઈએ જણાવ્યું છે કે આ સાત શરતો પૂરી થાય તો બંને દેશો વચ્ચે સંવાદ અને રાજદ્વારી સંબંધોનો રસ્તો ખુલ્લો રહેશે.
રેઝાઈએ ચેતવણી પણ આપી છે કે ઈરાન પર થયેલા કોઈપણ હુમલાનો જવાબ આત્યંતિક તાકાતથી આપવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ, ઈરાન સુપ્રીમ લીડર મોજતબા ખામેનીના નિર્દેશ હેઠળ નવા શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. અમેરિકન ન્યૂઝ વેબસાઇટ એક્સિઓસના અહેવાલ પ્રમાણે, શુક્રવારે કતારી મધ્યસ્થીઓએ ઈરાનની રાજધાની તેહરાનમાં 12 કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી હતી.
અમેરિકાએ સ્વીકારવી પડશે સાત શરતો
ઈરાને અમેરિકા સામે જે સાત શરતો મૂકી છે તેમાં તેના તેલ નિકાસ પરના પ્રતિબંધોમાં રાહત અને વિદેશમાં જમા થયેલા ભંડોળને પરત કરવાની માંગનો સમાવેશ થાય છે. ઈરાનનું કતારમાં આશરે 6 બિલિયન ડોલર રોકાયેલા છે. ઈરાન ઈચ્છે છે કે અમેરિકા તેના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવે.
ઈરાનનો દાવો છે કે બંને દેશો વચ્ચે જૂન 2026ના કરાર હેઠળ અમેરિકાએ તેલ નિકાસ પર છૂટ આપવાનું અને નવા પ્રતિબંધો નહીં લાદવાનું વચન આપ્યું હતું. બીજી તરફ, અમેરિકા ઈચ્છે છે કે વાતચીત ફરી શરૂ થાય તે પહેલાં ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે છૂટ આપે.
તેહરાને સ્પષ્ટ કરી દીધું છે કે જો આ દરમિયાન અમેરિકા ઈરાન પર ફરીથી હુમલો કરશે તો તે ચૂપ નહીં બેસે અને બળપૂર્વક જવાબ આપશે.