ઈરાનમાં મોંઘવારીએ રેકોર્ડ સ્તરે પહોંચીને સામાન્ય લોકોનું જીવન દુભાવી નાખ્યું છે. દેશના સત્તાવાર આંકડાઓ મુજબ ઓક્ટોબર મહિનામાં વાર્ષિક ફુગાવાનો દર 88.7% નોંધાયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ દર 107%ને વટાવી ગયો છે. શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે.
ઇરાનના સ્ટેટિસ્ટિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ખાવાના તેલના ભાવમાં 255%નો વધારો થયો છે. દૂધ, પનીર અને ઇંડાના ભાવ 154% વધ્યા છે. સબસિડી હટાવ્યા બાદ બ્રેડના એક પેકેટની કિંમત 23,800 તોમાનથી વધીને 60,000 તોમાન થઈ ગઈ છે. આથી લોકો માટે એક સમયનું સાદું ભોજન પણ મેળવવું મુશ્કેલ બન્યું છે.
સામાન્ય રેસ્તરાંમાં ચોખા કે નોન-વેજ ભોજન માટે પણ લાખો તોમાન ચૂકવવા પડે છે. પ્રોટીનયુક્ત ખોરાક લોકોની પહોંચ બહાર જતાં કુપોષણનું જોખમ વધ્યું છે. દિવસભર મજૂરી કરતા શ્રમિકો પણ પેટ ભરીને ખાઈ શકતા નથી. પરિવારનું મોટાભાગનું બજેટ ફક્ત બે ટંકના ભોજન પાછળ જ ખર્ચાઈ રહ્યું છે.
લેબર મિનિસ્ટ્રીના ડેપ્યુટી મિનિસ્ટર મલિક હુસૈનીના જણાવ્યા અનુસાર જો આર્થિક મંદી ચાલુ રહેશે તો માર્ચ 2027 સુધીમાં 12 લાખથી 14 લાખ નોકરીઓ ખતમ થઈ શકે છે. માર્ચથી ઓગસ્ટ દરમિયાન જ આશરે 11.5 લાખ લોકોએ કાયમી નોકરી અને વીમા સુરક્ષા ગુમાવી છે, જેમાંથી માત્ર 3 લાખ લોકોને બેરોજગારી ભથ્થું મળી રહ્યું છે.
નેશનલ ગેસ કંપનીના અધિકારીએ જણાવ્યું કે પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખામીને કારણે રોજનું 13 કરોડ ક્યુબિક મીટર ગેસ ઉત્પાદન પ્રભાવિત થયું છે. આથી ઉત્તરી ખોરાસાન, માજંદરાન અને ગોલેસ્તાન સહિત 11 પ્રાંતોમાં આ શિયાળામાં ગેસનો કાપ મુકાય તેવી શક્યતા છે. કારખાનાઓને વૈકલ્પિક ઇંધણ વાપરવાની સૂચના અપાઈ છે. ઠંડીમાં હીટિંગ અને રસોઈ માટે ગેસની અછત લોકોની મુશ્કેલી બેવડાવશે.
મસૂદ પેઝેશકિયાનની સરકાર પર રાજકીય દબાણ વધ્યું છે. સંસદમાં સાંસદોએ અર્થશાસ્ત્ર મંત્રી અલી મદનીઝાદેહની દલીલો ફગાવીને ચેતવણી આપી છે. સરકારે સ્વીકાર્યું છે કે મજૂરો અને પેન્શનરો સૌથી વધુ પીડાઈ રહ્યા છે, પરંતુ સુધારા માટે કોઈ નક્કર યોજના નથી. બીજી તરફ શિરાજમાં શિક્ષકો અને ટ્રેડ યુનિયન કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. વધતા ભૂખમરા, બેરોજગારી અને મોંઘવારી વચ્ચે ઈરાનમાં દેશવ્યાપી વિરોધ અને સામાજિક અસંતોષની શક્યતા વધી છે.