સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકાની ચૂંટણી પર ઈરાનની પ્રતિક્રિયા: 'યુદ્ધ અને મોંઘવારી સામે જનતાનો સ્પષ્ટ સંદેશ'

અમેરિકાની ચૂંટણી પર ઈરાનની પ્રતિક્રિયા: 'યુદ્ધ અને મોંઘવારી સામે જનતાનો સ્પષ્ટ સંદેશ'

અમેરિકામાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વિરોધી ડેમોક્રેટિક પાર્ટીએ કોંગ્રેસના બંને ગૃહો – સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ – પર નિયંત્રણ મેળવવા તરફ મજબૂત પ્રગતિ કરી છે. આ રાજકીય ફેરબદલ પર ઈરાને પ્રતિક્રિયા આપી છે.

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલીબાફે જણાવ્યું કે, અમેરિકન લોકોએ મોંઘવારી અને યુદ્ધના મુદ્દે પોતાનો સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાની જનતાએ યુદ્ધને 'ના' પાડી છે અને આ શાંતિપૂર્ણ સંદેશનું ઈરાન સમર્થન કરે છે.

ગાલીબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ચેતવણી આપી હતી કે, જો અમેરિકન સરકાર પોતાની જનતાના અવાજને નજરઅંદાજ કરશે અને અન્ય દેશો કે દબાણ કરનારાઓના ઈશારે ઈરાન સામે કોઈ પગલું ભરશે, તો ઈરાન તેનો સખત અને ભયાનક જવાબ આપશે.

મિડિયા રિપોર્ટ્સ અને અંદાજો મુજબ, ડેમોક્રેટ્સે સેનેટમાં જરૂરી બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ તેઓ વિજય તરફ આગળ વધી રહ્યા છે. અગાઉ બંને ગૃહો પર રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ હતું, પરંતુ હવે ડેમોક્રેટ્સે કોંગ્રેસમાં બહુમતી મેળવવાની દિશામાં મોટો ફેરબદલ કર્યો છે.

પોતાની પાર્ટીની હાર વચ્ચે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શન પાછળ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને જવાબદાર ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 3 નવેમ્બરે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણી પરિણામો અમેરિકાની આંતરિક રાજનીતિ તેમજ વૈશ્વિક સંબંધો પર અસર કરી શકે છે.