સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાનમાં પાકિસ્તાન, સાઉદી અને તુર્કીના નેતાઓની બંધ બારણે બેઠક, ટ્રમ્પની ચિંતા વધી

ઈરાનમાં પાકિસ્તાન, સાઉદી અને તુર્કીના નેતાઓની બંધ બારણે બેઠક, ટ્રમ્પની ચિંતા વધી

અમેરિકા તરફથી ઈરાન પર સતત ધમકીઓ વચ્ચે મધ્ય પૂર્વના રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના બની છે. અમેરિકાના સહયોગી ગણાતા ત્રણ દેશો – પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સોમવાર, 26 ઓક્ટોબરના રોજ ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા હતા. અહીં ચારેય દેશો વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, ઈઝરાયલ-અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને પશ્ચિમ એશિયાની સ્થિરતા મુદ્દે ચાર-પક્ષીય બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહસેન રેઝાઈ, સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી ખાલિદ બિન સલમાન, પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર અને તુર્કીની ગુપ્તચર સંસ્થાના વડા ઈબ્રાહિમ કલિન ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પાકિસ્તાનના પ્રસ્તાવ અને ઈરાનની સહમતિથી યોજાઈ હતી.

બેઠકમાં મુખ્યત્વે ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીથી ઊભા થયેલા પરિણામો, પેલેસ્ટાઈન અને લેબનાનના નાગરિકોને સહાય પહોંચાડવા તેમજ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દેશો માને છે કે પ્રાદેશિક સુરક્ષા બહારની દખલગીરી વગર માત્ર આપસી સહયોગ અને ભાગીદારીથી જ શક્ય બની શકે છે.

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશકિયાને મુસ્લિમ દેશો વચ્ચે એકતાનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે આવા પ્રભાવશાળી ઈસ્લામિક દેશોનું સાથે આવવું પ્રાદેશિક સુરક્ષા માટે મજબૂત પગલું છે. ઈરાની વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે છેલ્લા 2 વર્ષની ઘટનાઓ દર્શાવે છે કે પરસ્પર વિશ્વાસ અને પોતાની ક્ષમતા વિના આ વિસ્તારમાં સ્થિરતા લાવી શકાય નહીં.

આ બેઠક પાછળ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાઓ સામેનો નવો મોરચો છે કે નહીં તે અંગે વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકા ઈચ્છે છે કે ખાડીના દેશો ઈઝરાયલ સાથે સમજૂતી કરી વિવાદો ઉકેલે, પરંતુ યમનના હૂતી વિદ્રોહીઓના હુમલાઓથી ઘેરાયેલા સાઉદી અરેબિયા અને પરમાણુ મુદ્દે ઘેરાયેલા ઈરાન વચ્ચે આ સંવાદ પ્રાદેશિક શક્તિ સંતુલન બદલી શકે તેમ છે.