સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાની રાષ્ટ્રપતિને અમેરિકાનો વિઝા: દુશ્મનોને UNGAમાં બોલવાની છૂટ કેમ? 5 ચર્ચિત કિસ્સા

ઈરાની રાષ્ટ્રપતિને અમેરિકાનો વિઝા: દુશ્મનોને UNGAમાં બોલવાની છૂટ કેમ? 5 ચર્ચિત કિસ્સા

અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યાના પહેલા જ દિવસે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના ઘર પર હુમલો કર્યો. તેમાં ખામેની અને તેમના ચાર નજીકના પરિવારજનોનાં મોત થયાં. અત્યાર સુધી આ યુદ્ધમાં અડધાથી વધુ ઈરાની નેતૃત્વ અને 8,000થી વધુ ઈરાનીઓ માર્યા ગયા.

પરંતુ સાત મહિના બાદ હવે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાન ન્યૂયોર્ક પહોંચવાના છે. તેઓ દર વર્ષે યોજાતી યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (UNGA)માં આજે ભાષણ આપશે. તેમની સાથે વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી પણ હશે. આ નેતાઓને પોતાનો દુશ્મન માનતા અમેરિકાએ જ તેમને વિઝા આપ્યા છે.

આ પહેલીવાર નથી કે અમેરિકાએ પોતાના વિરોધી નેતાઓને UNGAમાં સામેલ થવા માટે વિઝા આપ્યા હોય અને તે નેતાઓએ ન્યૂયોર્ક આવીને અમેરિકાની ટીકા કરી હોય. ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું, આવા જ પાંચ ચર્ચિત કિસ્સા…

ક્યુબા ક્રાંતિ પછી જાન્યુઆરી 1959માં ફિદેલ કાસ્ટ્રોએ સત્તા સંભાળી. અમેરિકા આનાથી નારાજ હતું. એટલું બધું કે માર્ચ 1960માં અમેરિકી રાષ્ટ્રપતિ આઇઝનહોવરે પોતાની ગુપ્તચર એજન્સી CIAને કાસ્ટ્રો સરકારને ઉથલાવી ફેંકવા માટે કહ્યું.

જોકે, સપ્ટેમ્બર 1960માં યોજાયેલી UNGA માટે ફિદેલ કાસ્ટ્રો અને તેમના પ્રતિનિધિમંડળને વીઝા આપવા પડ્યા. 19 સપ્ટેમ્બરે કાસ્ટ્રો ન્યૂયોર્ક પહોંચ્યા. મેનહટનની શેલબર્ન હોટલમાં તેમણે બુકિંગ કરાવ્યું હતું, પરંતુ હોટલે તેમને રોકવાની ના પાડી દીધી. તેઓ હાર્લેમની થેરેસા હોટલમાં શિફ્ટ થઈ ગયા.

થેરેસા હોટલમાં કાસ્ટ્રોની મુલાકાત સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ અબ્દેલ નાસિર અને ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે થઈ. સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ મેલ્કમ એક્સ અને ઘણા આફ્રિકન-અમેરિકન નેતાઓ પણ તેમને મળવા પહોંચ્યા.

26 સપ્ટેમ્બર 1960ના રોજ કાસ્ટ્રોએ UNGAમાં ભાષણ શરૂ કરતા કહ્યું, ‘એવું કહેવાય છે કે હું લાંબા ભાષણો આપું છું, પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું ટૂંકું ભાષણ જ આપીશ.’

જોકે કાસ્ટ્રોએ આનાથી ઊલટું કર્યું અને UNGAના ઇતિહાસનું સૌથી લાંબું ભાષણ આપી દીધું. 269 મિનિટ એટલે કે 4 કલાક 29 મિનિટ સુધી તેઓ બોલતા રહ્યા.

કાસ્ટ્રોએ મોટાભાગનું ભાષણ વાંચ્યા વગર આપ્યું, જોકે વચ્ચે-વચ્ચે તેઓ પોતાની ફાટેલી નોટબુકમાંથી કંઈક-કંઈક વાંચી લેતા.

કાસ્ટ્રોએ અમેરિકા પર લેટિન અમેરિકામાં દખલ કરવાનો અને સરમુખત્યારશાહીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ક્યુબા ક્રાંતિ માત્ર એક સરમુખત્યાર (બતિસ્તા) વિરુદ્ધ નહોતી, પરંતુ તે સમગ્ર વ્યવસ્થા વિરુદ્ધ હતી, જેણે ક્યુબાને અમેરિકાનું ગુલામ બનાવી રાખ્યું હતું.

કાસ્ટ્રોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જોન એફ. કેનેડી અને રિચર્ડ નિક્સન પર ભારે નિશાન સાધ્યું. કેનેડીને ‘અભણ અને અજ્ઞાની કરોડપતિ’ સુધી કહી દીધા, જ્યારે નિક્સનને રાજકીય બુદ્ધિથી નબળા ગણાવ્યા.

1974માં પેલેસ્ટાઇન દેશની માંગ માટે બનેલા પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (PLO)ને અમેરિકા અને ઇઝરાયેલ આતંકી સંગઠન માનતા હતા. પરંતુ 14 ઓક્ટોબર 1974ના રોજ UNGAએ PLOને પેલેસ્ટાઇનની જનતાનું સત્તાવાર પ્રતિનિધિ માની લીધું અને તેમને ભાષણ આપવા માટે બોલાવ્યા. ઇઝરાયેલ અને અમેરિકાએ આનો વિરોધ કર્યો, પરંતુ અમેરિકાએ વીઝા આપવા પડ્યા.

મહિના પછી 13 નવેમ્બર 1974ના રોજ PLOના વડા યાસર અરાફાત UNGA પહોંચ્યા. એવું પહેલીવાર બન્યું કે UNના કોઈ બિન-સભ્ય સંગઠનના પ્રતિનિધિને UNGAમાં ભાષણ આપવાની તક મળી. 80 મિનિટના ભાષણમાં તેમણે પેલેસ્ટાઇનીઓ માટે આઝાદ દેશની માંગ કરી.

અરાફાતે કહ્યું, ‘હું એક વિદ્રોહી છું અને આઝાદી જ મારો મકસદ છે. ક્રાંતિકારી અને આતંકવાદીમાં ફરક માત્ર એટલો છે કે કોણ કયા કારણસર લડી રહ્યું છે? જે કબજો અને શોષણ કરનારા છે તે જ અસલી આતંકી છે, નહીં કે તેઓ જે આઝાદી માટે લડે છે.’

છેલ્લે તેમણે કહ્યું, ‘આજે હું એક હાથમાં જેતુન (ઓલિવ)ની ડાળી અને બીજા હાથમાં એક સ્વતંત્રતા સેનાનીની બંદૂક લઈને આવ્યો છું. જેતુનની ડાળીને મારા હાથમાંથી પડવા ન દેતા.’

અરાફાતની આ પંક્તિઓ આજે પણ પ્રખ્યાત છે. તેમની એક તસવીર પણ ખૂબ ચર્ચામાં રહી છે, જેમાં તેમના જેકેટમાંથી એક હોલ્સ્ટર ડોકિયું કરતું દેખાય છે. આ વિવાદ પણ રહ્યો કે મંચ પર જતા પહેલા તેમણે પિસ્તોલ ઉતારી હતી કે નહીં.

UNGAમાં ભાષણ આપવા પહોંચેલા PLOના વડા યાસર અરાફાતના જેકેટમાંથી બહાર દેખાતું ગન હોલ્સ્ટર.

અરાફાતના ભાષણના 9 દિવસ પછી 22 નવેમ્બર 1974ના રોજ UNGAએ PLOને ઓબ્ઝર્વરનો દરજ્જો આપી દીધો. આને પેલેસ્ટાઇની મુદ્દાને પહેલીવાર દુનિયામાં માન્યતા મળી.