સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાન પર પરમાણુ હુમલાની ચર્ચા: ટકર કાર્સનનો દાવો, ટ્રમ્પનો ઇનકાર

ઈરાન પર પરમાણુ હુમલાની ચર્ચા: ટકર કાર્સનનો દાવો, ટ્રમ્પનો ઇનકાર

અમેરિકાના રૂઢિચુસ્ત કોમેન્ટેટર ટકર કાર્સને રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં દાવો કર્યો છે કે, અમેરિકા ઈરાનના પિકેક્સ માઉન્ટેન સ્થિત ભૂગર્ભ પરમાણુ અડ્ડા પર આ અઠવાડિયે હુમલો કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ ફરીથી યુદ્ધ શરૂ કરવા દબાણ બનાવી રહ્યા છે. જોકે, આ કાર્સનનો દાવો છે અને તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, ટકર કાર્સન એક સમયે ટ્રમ્પના કટ્ટર સમર્થક હતા, પરંતુ હાલમાં બંનેના સંબંધોમાં તણાવ છે. ટ્રમ્પે પહેલા જ કહી ચૂક્યા છે કે, ઈરાન વિરુદ્ધ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની જરૂર નથી.

જો કાર્સનનો દાવો સાચો હોય તો નિષ્ણાતો માને છે કે, અમેરિકા પાસે B61-11 પરમાણુ બોમ્બ છે, જે જમીનની અંદર વિસ્ફોટ કરવા સક્ષમ છે. આ બોમ્બને ભૂગર્ભ અડ્ડાઓને નિશાન બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. તે 1997માં અમેરિકી સેનામાં સામેલ થયો હતો. તેનું વજન લગભગ 549 કિલોગ્રામ છે અને તે જમીનમાં 15થી 25 ફૂટ સુધી ધસી જઈને વિસ્ફોટ કરી શકે છે. તેની વિસ્ફોટક ક્ષમતા અંગે અલગ-અલગ અંદાજ છે, જે 340થી 400 કિલોટન સુધીની હોઈ શકે છે.

પિકેક્સ માઉન્ટેન ઈરાનના નતાન્જ પરમાણુ પરિસરની દક્ષિણમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે, આ પહાડની નીચે ઈરાને પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલો અત્યંત સુરક્ષિત અડ્ડો તૈયાર કર્યો છે, જે જમીનથી ઓછામાં ઓછો 100 મીટર નીચે હોઈ શકે છે. જોકે, ઈરાને ત્યાં પરમાણુ પ્રવૃત્તિ હોવાનો ઇનકાર કર્યો છે. સામાન્ય બોમ્બથી તેને નષ્ટ કરવો અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. અમેરિકા પહેલા જ નતાન્જ, ફોર્દો અને ઈસ્ફહાન સ્થિત પરમાણુ અડ્ડાઓ પર હુમલા કરી ચૂક્યું છે, પરંતુ પિકેક્સ માઉન્ટેન અત્યાર સુધી નિશાના પર નથી આવ્યું.

ભૂગર્ભ યુદ્ધના નિષ્ણાત ડેફને રિચમંડના મતે પિકેક્સ માઉન્ટેનને પરંપરાગત બિન-પરમાણુ બોમ્બથી પણ નિશાન બનાવી શકાય છે. જોકે, આ અંગે વધુ વિગતો હજુ સ્પષ્ટ નથી.

આ સમગ્ર ચર્ચા વચ્ચે ટ્રમ્પે પરમાણુ હથિયારના ઉપયોગની જરૂરિયાતને નકારી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર હવે અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે.