ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ઈરાની મીડિયામાં પ્રકાશિત તેમના નિવેદન મુજબ, ઈરાન હાલમાં ઓમાન સાથે નવા દરિયાઈ માર્ગ અંગે વાટાઘાટો કરી રહ્યું છે. ઓમાનમાં યોજાનારી બેઠકમાં આ નવા માર્ગના નકશા અને કરારની વિગતો સહભાગી દેશો સાથે શેર કરવામાં આવશે.
અરાઘચીએ જણાવ્યું કે, ઓમાનમાં યોજાનારી બેઠકનો મુખ્ય એજન્ડા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા નવા દરિયાઈ માર્ગની સ્થાપના કરવાનો રહેશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે, ઓમાન સાથેનો આ કરાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ફરીથી ખોલવાનો સંકેત આપતો નથી.
હોર્મુઝ ખોલવા અંગે ઈરાને અમેરિકા સામે શરત મૂકી છે. અરાઘચીએ કહ્યું કે, અમેરિકાએ ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ હેઠળ પોતાની જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓ પર પાછા ફરવું પડશે. જ્યાં સુધી અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની દિશામાં આગળ નહીં વધે, ત્યાં સુધી હોર્મુઝ ખોલવાનો પ્રશ્ન ઊભો થતો નથી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ રૂટમાંથી એક છે અને આંતરરાષ્ટ્રીય ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનું છે. રવિવારે માહિતી મળી હતી કે, ઈરાન અને ઓમાન વચ્ચે એન્ટ્રી-એક્ઝિટ રૂટ અંગે સંમતિ થઈ ગઈ છે. દરમિયાન ઈરાનના એક જહાજ પર હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
પ્રાદેશિક સુરક્ષા અંગે ઈરાનનો વલણ સ્પષ્ટ કરતાં અરાઘચીએ કહ્યું કે, ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની પ્રાથમિક જવાબદારી આ ક્ષેત્રના દેશોની જ હોવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે, ઓમાનમાં થનારી વાટાઘાટોથી આગળ જતાં પ્રાદેશિક દેશોના હિતો સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર પણ સકારાત્મક ચર્ચા થશે.