ન્યૂયોર્કમાં ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશ્કિયને અમેરિકા પર વાટાઘાટોને બદલે યુદ્ધનો માર્ગ પકડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવા અને સંવર્ધિત યુરેનિયમનો સ્ટોક ઘટાડવા તૈયાર છે.
ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં પેજેશ્કિયને સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માંગતું નથી. તેમણે કહ્યું કે દિવંગત સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ ખામેનેઈએ ઘણી વખત જાહેર કર્યું છે કે ધાર્મિક દ્રષ્ટિએ પરમાણુ શસ્ત્રો ગેરકાયદેસર છે. ઈરાન સામૂહિક વિનાશના શસ્ત્રોના વિરોધમાં છે. તેમણે ઉમેર્યું કે અમે આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે તૈયાર છીએ અને સંવર્ધિત યુરેનિયમનો સ્ટોક ઘટાડવા તૈયાર છીએ. આ કોઈ નવી વાત નથી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (આઇએઇએ)ની દેખરેખ હેઠળ છે. તાજેતરમાં આઇએઇએએ કહ્યું હતું કે ઈરાનના પરમાણુ મથકો અને સામગ્રીઓ અંગે યોગ્ય જાણકારી મળી રહી નથી, જેનાથી દેખરેખ પર અસર પડી રહી છે. પેજેશ્કિયને વર્તમાન તણાવ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે અમેરિકાએ વાટાઘાટોને બદલે બોમ્બમારો અને લશ્કરી કાર્યવાહી પસંદ કરી, જ્યારે ઈરાને ફક્ત સ્વબચાવ કર્યો છે.
બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સંયુક્ત રાષ્ટ્રોની 81મી મહાસભામાં ભાષણ આપવા ડાયસ પર પહોંચ્યા ત્યારે ઘણા દેશોના પ્રતિનિધિઓએ મહાસભા છોડી દીધી હતી. નેતન્યાહુએ આ ઘટનાનો કઠોર પ્રતિભાવ આપતાં કહ્યું કે જે કોઈ નૈતિક કાયરો હજી અહીં બાકી હોય તો તરત જ આ હોલ છોડી જાય.
ભાષણ દરમિયાન નેતન્યાહુએ પેજર બતાવીને કહ્યું કે લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટની યાદ હીઝબુલ્લાહના આતંકવાદીઓને ચોક્કસ હશે. તેમણે ઈઝરાયેલ સામે થતી આંતરરાષ્ટ્રીય ટીકાનો બચાવ કર્યો અને વિશ્વમાં વધતા યહૂદી વિરોધી વલણની ઉગ્ર ટીકા કરી. તેમણે કહ્યું કે અમે આટઆટલા વિરોધ વચ્ચે પણ અડીખમ છીએ.
અલગથી, ઈરાનના વિદેશ મંત્રી અરાઘાચીએ યુએન જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે જો અમેરિકા નૌકાદળ પરનો પ્રતિબંધ ઉઠાવે, ઈરાનના ઓઇલ પરના પ્રતિબંધો ખતમ કરે અને લેબનોન સહિતના યુદ્ધવિરામનું પાલન કરે, તો ઈરાન પરમાણુ કાર્યક્રમ અંગે વાટાઘાટો શરૂ કરવા અને સાત દિવસમાં હોર્મુઝ ખોલવા તૈયાર છે.