સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાન પર પરમાણુ હુમલાની અટકળો વચ્ચે સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

ઈરાન પર પરમાણુ હુમલાની અટકળો વચ્ચે સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પરમાણુ હુમલાની અટકળોને લઈને દેશની સરકારી ટીવી ચેનલો પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. આ ચેનલો પર સતત એવા વીડિયો પ્રસારિત થઈ રહ્યા છે કે જો પરમાણુ હુમલો થાય તો લોકોએ પોતાનો બચાવ કેવી રીતે કરવો.

સરકારના આ પગલાને લોકો ગંભીરતાથી લઈ રહ્યા છે. આ ઘટનાક્રમ બાદ એવી અટકળો શરૂ થઈ છે કે શું અમેરિકા ખરેખર તેહરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે? જોકે, નિષ્ણાતો આને સરકારના સાવચેતીના પગલા તરીકે પણ જોઈ રહ્યા છે.

વિસ્ફોટ થાય તો તાત્કાલિક શું કરવું?

સ્થાનિક મીડિયા અને સરકારી ચેનલો દ્વારા લોકોને સ્પષ્ટ સલાહ આપવામાં આવી રહી છે કે વિસ્ફોટ થાય ત્યારે તેના તેજસ્વી પ્રકાશ તરફ સીધું જોવાનું ટાળવું જોઈએ. જો તમે ઘરની બહાર હો અને તરત જ કોઈ ઈમારતમાં પહોંચવું શક્ય ન હોય, તો કોઈ મજબૂત અવરોધ પાછળ છુપાઈ જવું.

આવી સ્થિતિમાં જમીન પર સીધા સૂઈ જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ, તમારા હાથથી તમારા માથા અને ચહેરાને બરાબર ઢાંકી લેવા જેથી ગંભીર ઈજાથી બચી શકાય.

જ્યારે વિસ્ફોટની ભયાનક લહેર પસાર થઈ જાય, ત્યાર પછી જ ઊભા થઈને કોઈ નજીકની ઈમારતમાં પ્રવેશ કરવો. આ સમય દરમિયાન બહાર ઊભા રહીને ઘટના જોવાનો કે ફોટા પાડવાનો પ્રયાસ બિલકુલ ન કરવો. હુમલા વખતે કારમાં છુપાવું જોખમી સાબિત થઈ શકે છે.

ઘર કે ઈમારતની અંદર કેવી સાવચેતી રાખવી?

ઈમારતમાં પ્રવેશ્યા પછી તરત જ બધી બારીઓ અને વેન્ટિલેશન (હવાની અવરજવરના રસ્તા) બંધ કરી દેવા. લોકોને એવી પણ સલાહ અપાઈ છે કે તેઓ ઈમારતના ભોંયરામાં અથવા બિલકુલ મધ્ય ભાગમાં જતા રહે.

બારીઓ અને બહારની દીવાલોથી બને તેટલું દૂર રહેવું જરૂરી છે. રૂમના દરવાજા અને બારીઓ સંપૂર્ણપણે બંધ રાખવા.

જો એર કંડિશનર (AC) ચાલુ હોય અથવા બહારથી હવા અંદર લાવતું કોઈ પણ મશીન હોય, તો તેને તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ. આમ કરવાથી બહારની ઝેરી હવા અંદર આવતી અટકાવી શકાશે.

શરીર અને કપડાંની સફાઈ કઈ રીતે કરવી?

હુમલા બાદ શારીરિક સ્વચ્છતા અંગે પણ ગંભીર સૂચનાઓ અપાઈ છે. બહારથી આવ્યા પછી પહેરેલા કપડાંને જરાય હલાવ્યા વગર ધીમેથી ઉતારી લેવા. આ કપડાંને એક સીલબંધ બેગમાં મૂકી લોકોથી દૂર રાખવા. તેને ફેંકવા માટે બહાર ન જવું.

કપડાં કાઢ્યા પછી આખા શરીરને હૂંફાળા પાણી અને સાબુથી બરાબર ધોઈ લેવું. વાળ ધોવા માટે કન્ડિશનર વગરના સાદા શેમ્પૂનો ઉપયોગ કરવો.

જો કોઈ કારણસર સ્નાન કરવું શક્ય ન હોય, તો શરીરના જે ભાગો ખુલ્લા રહ્યા હોય જેમ કે ચહેરો અને હાથ, તેને ચોખ્ખા પાણી અથવા ભીના વાઇપથી સારી રીતે સાફ કરી લેવા.

ખોરાક અને સલામત સ્થળાંતરની માર્ગદર્શિકા

ખાવા-પીવા માટે માત્ર બોટલબંધ પાણી અને પેકેટમાં આવતા સીલબંધ ખોરાકનો જ ઉપયોગ કરવો. લોકોને એવી માનસિક તૈયારી રાખવા કહેવાયું છે કે તેમણે ઓછામાં ઓછા 24 કલાક સુધી આશ્રયસ્થાનમાં જ રહેવું પડી શકે છે. 24 કલાક પૂરા થાય એટલે વાતાવરણ સલામત થઈ ગયું છે એવું ન માનવું.

જ્યારે પણ સલામત સ્થળે જવાની જરૂર પડે ત્યારે માત્ર સત્તાવાર જાહેરાતો અને ઈમરજન્સી સૂચનાઓનું જ પાલન કરવું. જો તમે જે ઈમારતમાં છો તેમાં આગ લાગે કે તેના પડવાનો ખતરો હોય, તો જ ત્યાંથી નીકળી સુરક્ષિત જગ્યાએ જવું.