મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વણસી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા ગતિરોધને ઉકેલવા ઈરાને અમેરિકા સમક્ષ શાંતિનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ફગાવી દેતાં ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી સૈન્ય સુરક્ષા હેઠળ જઈ રહેલા તેલ ટેન્કરો અને જહાજો પર એન્ટી-શિપ મિસાઈલો અને ડ્રોનથી હુમલા કર્યા છે.
મળતી માહિતી મુજબ, દક્ષિણ ઈરાનના સિરિક અને કેશ્મ ટાપુના દરિયાઈ વિસ્તારમાંથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા અમેરિકી નૌકાદળની નાકાબંધી વચ્ચેથી પસાર થતા વ્યાપારી જહાજો તરફ મિસાઈલો છોડવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, હુમલામાં ઓછામાં ઓછું એક તેલ ટેન્કર ક્ષતિગ્રસ્ત થયું છે. સિરિક કિનારા અને ફારસની ખાડીમાંથી પસાર થતા જહાજો પરથી 10થી વધુ ધડાકા સંભળાયા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે. લારક ટાપુ આસપાસ ઈરાની સૈન્યની સ્પીડ બોટ્સ આક્રમક પેટ્રોલિંગ કરી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા આ હુમલાઓને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાઈ શકે છે અને એશિયાથી યુરોપ સુધી ઉર્જા સંકટ ઘેરાવાની ચિંતા ઊભી થઈ છે.
આ હુમલા અંગે વોશિંગ્ટનમાં પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, "ઈરાન અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવા માંગે છે. કારણ કે તેઓ તબાહ થઈ રહ્યા છે અને તેમની પાસે આવતો નાણાંનો પ્રવાહ બંધ થઈ ગયો છે. તેમણે હોર્મુઝ બંધ કરીને દુનિયા માટે મુશ્કેલી ઊભી કરવાની કોશિશ કરી હતી, પરંતુ મેં સૈન્ય ઇતિહાસની સૌથી મોટી નૌકાદળ નાકાબંધી લાદી છે." તેમણે ઉમેર્યું કે અમેરિકાએ કરેલી નાકાબંધીને કારણે ઈરાન પાસે નાણાં ખૂટી ગયા છે અને હવે બાકીની દુનિયા માટે આ દરિયાઈ માર્ગ ખુલ્લો રખાશે, પણ ઈરાનને તેનો લાભ મળવા દેવાશે નહીં.