અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને પોતાની સૈન્ય તૈયારીઓ વધુ તેજ કરી છે. સોમવારે, 2 નવેમ્બર 2026ના રોજ, રાજધાની તેહરાનમાં એક નવું સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સામાન્ય નાગરિકોને યુદ્ધ માટે તાલીમ આપશે, જેથી જરૂર પડ્યે તેઓ સૈન્યને મદદ કરી શકે.
તેહરાનના તાજરીશ સ્ક્વેર ખાતે બનેલા આ કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં સેના અને IRGCના જવાનોએ નાગરિકોને હથિયારો ચલાવવાની અને સૈન્ય કવાયતોની તાલિમ આપી હતી. આ પહેલાં તેહરાનના હફ્ત-એ તીર સ્ક્વેર અને ઈમામ હુસૈન સ્ક્વેર પર પણ આવા જ પ્રશિક્ષણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે ઈરાને જણાવ્યું હતું કે કતરની મધ્યસ્થતાથી અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી. આ તણાવ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ શરૂ થયો હતો, જેના જવાબમાં ઈરાને મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' બંધ કરી દીધો હતો. ત્યારબાદ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી કરી હતી.