મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને વિશ્વને મોટી રાહત આપી છે. ઈરાન સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને 7 દિવસમાં ખોલવા માટે તૈયાર થયું છે, પરંતુ તેણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક કડક શરત મૂકી છે.
જાપાનની સમાચાર એજન્સી 'ક્યોડો ન્યૂઝ'એ ઈરાની સરકારના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ સમાચાર પ્રકાશિત કર્યા છે. ઈરાનના અધિકારીએ કહ્યું છે કે તેમનો દેશ વાટાઘાટોનો રસ્તો બંધ કરવા માંગતો નથી, પરંતુ અમેરિકાએ પણ પોતાની ગંભીરતા દાખવવી પડશે.
શું છે ઈરાનની શરત?
ઈરાનની મુખ્ય માંગ એ છે કે અમેરિકા પર્સિયન ગલ્ફ અને તેની આસપાસના વિસ્તારોમાંથી પોતાનું સૈન્ય દબાણ તરત ઘટાડે. અમેરિકાએ આ વિસ્તારમાં પોતાની નૌકાદળ, લડાકુ વિમાનો અને મિસાઈલોની તૈનાતી વધારી છે, જેને ઈરાન પોતાના માથા પર લટકતી તલવાર માને છે.
ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી તેના પર સૈન્ય કાર્યવાહીનો ખતરો રહેશે, ત્યાં સુધી શાંતિ સમજૂતીનો કોઈ અર્થ નથી. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે જો અમેરિકા પર્સિયન ગલ્ફમાંથી સૈન્ય પાછું ખેંચે, તો તે 7 દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટને વેપારી જહાજો અને તેલ ટેન્કરો માટે સુરક્ષિત રીતે ખોલી દેશે.
આ દરિયાઈ માર્ગ વિશ્વના 20 થી 30 ટકા તેલનો સપ્લાય કરે છે, જેથી તેની અસર વૈશ્વિક તેલ ભાવો પર પડે છે.
ટ્રમ્પ-પેઝેશ્કિયાન મુલાકાત પર બ્રેક
વધતા રાજદ્વારી તણાવ વચ્ચે વિશ્વભરના નિષ્ણાતોની નજર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠક પર હતી. અટકળો હતી કે ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન એક મંચ પર આવી શકે છે. જોકે, ઈરાની અધિકારીએ આ અટકળો પર વિરામ મૂકી દીધો છે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે UNGA દરમિયાન બંને ટોચના નેતાઓ વચ્ચે કોઈ મુલાકાત કે સીધી વાટાઘાટોનો કોઈ પ્લાન નથી. નિષ્ણાતો માને છે કે ઈરાન કોઈ નક્કર પરિણામ વિના પોતાના રાષ્ટ્ર પ્રમુખને ટ્રમ્પ સામે મોકલવા માંગતું નથી.
હવે વિશ્વની નજર ટ્રમ્પના નિર્ણય પર છે. જો અમેરિકા સૈન્ય દબાણ ઘટાડવા પર લેખિત ભરોસો આપે, તો હોર્મુઝ ખૂલી શકે છે અને વૈશ્વિક તેલ બજારને રાહત મળી શકે છે. નહીં તો તણાવ વધુ વકરી શકે છે.