ઈરાને આશરે આઠ મહિનાના વિરામ બાદ ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અહમદ હયાત-મોગદ્દમે મંગળવારે આ માહિતી આપી હતી. આ સાથે ચીન, ઈરાક અને કતારના જહાજોને પણ આ માર્ગે પસાર થવાની છૂટ મળી છે. 28 ફેબ્રુઆરીથી આ માર્ગ પર જહાજોની અવરજવર પર પ્રતિબંધ હતો.
ભારત તેની કુલ ક્રૂડ ઓઈલ આયાતના આશરે 40% આ જ માર્ગેથી મંગાવે છે. તેથી આ મંજૂરી ભારત માટે મહત્વપૂર્ણ છે. ઈરાનવાયર અને અનાદોલૂ એજન્સીના અહેવાલો અનુસાર, ઈરાને ભારતને આ છૂટ દવાઓના પુરવઠાને ધ્યાનમાં રાખીને આપી છે, જેથી ભારત પાસેથી દવાઓ મળતી રહે. ચીનને છૂટ આપવા પાછળ ઈરાનની આશા છે કે મુશ્કેલ સમયમાં બેઇજિંગ રાજકીય રીતે સાથ આપશે.
જોકે, ભારતીય અને ચીની જહાજોએ હોર્મુઝમાંથી પસાર થવા માટે ચાર્જ ચૂકવવો પડશે. કતારના જહાજો કોઈ ચાર્જ વિના પસાર થઈ શકશે. ઈરાકને શા માટે છૂટ આપવામાં આવી છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
ભારત તેની 85%થી વધુ ક્રૂડ ઓઈલની જરૂરિયાત અન્ય દેશોમાંથી પૂરી કરે છે. તેમાંથી આશરે 40% હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને આવે છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોમાંથી આવતું ઓઈલ આ માર્ગે આવે છે. ભારત દરરોજ 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ આયાત કરે છે, જેમાંથી આશરે 20 લાખ બેરલ હોર્મુઝ માર્ગે આવે છે. આ માર્ગ પર પ્રતિબંધ હોય તો ભારતના ઓઈલ પુરવઠા પર મોટી અસર પડી શકે છે. હોર્મુઝ માત્ર ક્રૂડ ઓઈલ માટે જ નહીં, પણ LNG (કુદરતી ગેસ) અને LPG (રસોઈ ગેસ)ની આયાત માટે પણ મહત્વપૂર્ણ છે.
ભારતીય જહાજોને છૂટ મળવાથી ઓઈલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપનું જોખમ ઘટે છે. તેના ત્રણ મુખ્ય ફાયદા થઈ શકે છે: (1) ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઈલની સપ્લાય સરળ બનશે; (2) હોર્મુઝમાંથી ઓઈલનો પુરવઠો સરળ બનતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી શકે છે, જેનો લાભ ભારતને પેટ્રોલ-ડીઝલ સસ્તા સ્વરૂપે મળી શકે છે; (3) ભારતથી ઈરાન જતા જહાજોને છૂટ મળવાથી દવાઓનો પુરવઠો ચાલુ રહેશે અને બંને દેશો વચ્ચેનો વેપાર સરળ બનશે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટની દક્ષિણે પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ચાર ઓઈલ ટેન્કર દરિયાઈ બારૂદી સુરંગો સાથે અથડાઈને નષ્ટ થઈ ગયા છે. ચારેય ટેન્કરમાં આગ લાગી હતી અને બે અન્ય જહાજોને કબજે લેવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો યુદ્ધ ફરી શરૂ થશે તો તે મુકાબલા માટે તૈયાર છે. અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે કહ્યું કે તેમનો દેશ યુદ્ધ માટે તૈયાર છે. ઈરાને કહ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા તૈયાર છે, પરંતુ અમેરિકાએ તેની જૂની માંગણીઓ સ્વીકારવી પડશે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે તેમની સરકાર વાતચીત દ્વારા સંકટનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે મંગળવારે કહ્યું, 'જો યુદ્ધ ફરી શરૂ થશે તો તેનાથી કોઈને ફાયદો નહીં થાય.'