સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાને હોર્મુઝમાં ભારત-ચીનને છૂટ આપી, પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા

ઈરાને હોર્મુઝમાં ભારત-ચીનને છૂટ આપી, પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતા વેપારી જહાજો પરના પ્રતિબંધોમાં ભારત, ચીન, કતાર અને ઈરાકને મુક્તિ આપી છે. આ જાહેરાત અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણી પૂરી થયાના બીજા દિવસે એટલે કે 4 નવેમ્બર 2026ના રોજ કરવામાં આવી. આનો અર્થ એ છે કે હવે આ દેશોના જહાજો હોર્મુઝથી સુરક્ષિત રીતે પસાર થઈ શકશે.

હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન અને અમેરિકા બંનેએ નાકાબંધી કરી રાખી હતી, જેના કારણે ભારતીય જહાજોને આફ્રિકાનો લાંબો આંટો લેવો પડતો હતો અથવા જીવના જોખમે મુસાફરી કરવી પડતી હતી. હવે આ માર્ગ ખુલવાથી ભારતને ઘણો ફાયદો થશે.

ઈરાને આ ચારેય દેશોને એકસરખી છૂટ આપી નથી. કતારને સંપૂર્ણ ફ્રી એન્ટ્રી મળી છે કારણ કે તે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની મધ્યસ્થી કરી રહ્યું છે. જ્યારે ભારત અને ચીનના જહાજોએ સુરક્ષિત રસ્તા બદલ ટ્રાન્ઝિટ ફી ચૂકવવી પડશે.

આ ઘટનાની અસર ગુજરાતના દરિયાકાંઠા અને સામાન્ય લોકોના બજેટ પર પણ પડશે. કંડલા, મુંદ્રા અને દહેજ બંદરો પર ઉતરતો ગેસ અને ખાતરનો મોટો જથ્થો આ જ માર્ગેથી આવે છે. ગુજરાતની ફાર્મા કંપનીઓ માટે ઈરાન મોટું બજાર છે. દરિયાઈ રસ્તો ખુલવાથી ગુજરાતના વેપારને ફાયદો થશે અને રાંધણ ગેસ કે ખાતરની અછતનું જોખમ ટળશે.

ભારત તેની ક્રુડ ઓઈલની 85 ટકાથી વધુ જરૂરિયાત વિદેશથી પૂરી કરે છે. યુદ્ધ શરૂ થયા પછી ભારતે સપ્લાયર દેશોની સંખ્યા 27થી વધારીને 41 કરી છે, જેના કારણે હવે માત્ર 30 ટકા ક્રુડ ઓઈલ હોર્મુઝથી આવે છે. ભારતની 90 ટકા એલપીજી ઈમ્પોર્ટ અને કતાર-યુએઈથી આવતા 50 ટકા એલએનજીનો સ્ટોક પણ હોર્મુઝથી જ પસાર થાય છે.

હોર્મુઝ બંધ હોવાને કારણે ફેબ્રુઆરીથી ઓગસ્ટ 2026 વચ્ચે વેપારી જહાજો પર 70થી વધુ હુમલા થયા હતા, જેમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 15 માછીમારો હતા. આ સમયગાળામાં ભારતને ફ્યુઅલ અને ઊંચા વીમા પ્રીમિયમ પાછળ અંદાજે 1 લાખ 85 હજાર કરોડનો ફટકો પડ્યો હતો, જે હવે બચી જશે.

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવા અંગે કોઈ સ્પષ્ટતા નથી. જ્યારે ફેબ્રુઆરી 2026માં ક્રુડ ઓઈલ 70 ડોલરથી વધીને 120 ડોલર પ્રતિ બેરલ થયું ત્યારે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 81 ટકા અને બ્રિટનમાં 21 ટકાનો વધારો થયો હતો, પરંતુ ભારતમાં ભાવ નિયંત્રિત રાખવામાં આવ્યા હતા.