હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જહાજો પર વસૂલાત કરવાના અને અવરજવર પર નિયંત્રણો લાદવાના પ્રયાસો સામે 60થી વધુ દેશોએ વિરોધ નોંધાવ્યો છે. યુરોપિયન યુનિયન (EU) દ્વારા રજૂ કરાયેલી વૈશ્વિક ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર કોઈ ગેરકાયદે ટેક્સ કે ફી સ્વીકારવામાં આવશે નહીં.
આ ઘોષણાને યુરોપિયન યુનિયનના તમામ સભ્ય દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જાપાન, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને સિંગાપોર સહિત 33 દેશોએ ટેકો આપ્યો છે. EUના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, 'આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો દરેક દેશ માટે ખુલ્લા હોવા જોઈએ, ફક્ત પૈસા ચૂકવી શકે તેવા દેશો માટે નહીં. આ સ્પષ્ટ રાજદ્વારી સંદેશ છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોને કમાણી કે રાજકીય લાભનું સાધન બનાવી શકાય નહીં.'
હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો સાંકડો સમુદ્રી માર્ગ છે, જે વિશ્વના સૌથી મહત્ત્વના વ્યૂહાત્મક જળમાર્ગોમાં ગણાય છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ શરૂ થવા પહેલાં વિશ્વના કુલ ઓઇલ અને પ્રવાહી કુદરતી ગેસ (LNG) પુરવઠાનો લગભગ પાંચમો ભાગ આ માર્ગેથી પસાર થતો હતો. તેથી આ માર્ગ પરના કોઈ પણ પ્રતિબંધની સીધી અસર વૈશ્વિક ઊર્જા પુરવઠા, પરિવહન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન પર પડે છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વરિષ્ઠ સલાહકારે દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની સશસ્ત્ર દળોનું સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ સ્થિતિ ચાલુ રહેશે. તેમણે કેટલાક માર્ગો બંધ કરવાની ચેતવણી પણ આપી છે. શિપિંગ ડેટા દર્શાવે છે કે આ વિવાદને કારણે આ માર્ગેથી પસાર થતા માલવાહક જહાજોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે, જેની સમુદ્રી વેપાર પર માઠી અસર પડી છે.
આ ઘોષણામાં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા અંગેના કન્વેન્શન (UNCLOS)નો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. ભાગીદાર દેશોએ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (IMO) જેવા મંચો દ્વારા સમુદ્રી સુરક્ષા અને નિયમ-આધારિત નેવિગેશન વ્યવસ્થાની રક્ષા માટે એકજૂથ થઈને કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મુક્ત સમુદ્રી પરિવહન જળવાઈ રહે તે માટે કોઈપણ દેશ દ્વારા લાદવામાં આવતા ગેરકાયદે ટેક્સ, ભેદભાવપૂર્ણ પ્રતિબંધો કે પૂર્વ મંજૂરી જેવી શરતોનો વૈશ્વિક સ્તરે વિરોધ કરવામાં આવશે.