સત્ય. સાહસ. સંકલ્પ.

હોર્મુઝમાંથી ભારત સહિત 4 દેશોના જહાજોને રોકટોક વિના પસાર થવાની ઈરાનની મંજૂરી

હોર્મુઝમાંથી ભારત સહિત 4 દેશોના જહાજોને રોકટોક વિના પસાર થવાની ઈરાનની મંજૂરી

ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મધ્ય પૂર્વમાંથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઈરાને ભારત સહિત ચાર દેશોને હોર્મુઝ જળડમરીમાંથી તેમના જહાજોને અવર-જવર કરવાની મંજૂરી આપી છે. આ ચાર દેશોમાં ભારત ઉપરાંત ચીન, ઈરાક અને કતારનો સમાવેશ થાય છે.

ઈરાનની સંસદની સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે ઈરાની મીડિયાને જણાવ્યું કે, આ ચાર દેશોના જહાજોને હોર્મુઝના દરિયાઈ માર્ગેથી અવર-જવરની છૂટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત, ચીન, ઈરાક અને કતારને આ છૂટનો લાભ મળશે અને તેમના જહાજોને કોઈ રોકટોક કરવામાં આવશે નહીં. અમેરિકા પણ તેમના જહાજોને રોકતું નથી.

મોકાદ્દમે જણાવ્યું કે આ છૂટ ઈરાન અને ચારેય દેશો વચ્ચેના પરસ્પર હિતને દર્શાવે છે. તેમણે કહ્યું કે ઈરાન ભારતીય જહાજોને અવર-જવરમાં મદદ કરી રહ્યું છે જેથી ઈરાન ભારતથી દવાઓની આયાત વધારી શકે. ચીનના જહાજોને આ છૂટ બેઈજિંગનું રાજકીય સમર્થન મેળવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.

જોકે, ઈરાન ભારત અને ચીનના જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલે છે, પરંતુ કતારના જહાજોને કોઈપણ પ્રકારના ચાર્જ વિના જવા દે છે. મોકાદ્દમે એ સ્પષ્ટ કર્યું નથી કે ઈરાકના જહાજોએ આ ટ્રાન્ઝિટ ચાર્જ ચૂકવવો પડે છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે હોર્મુઝ જળડમરી દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગોમાંનો એક છે. તેના માધ્યમથી જ ખાડી દેશોમાંથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી ભારે માત્રામાં ઓઈલ અને ગેસનો સપ્લાય થાય છે.