ઈરાને દક્ષિણ કિનારે આવેલા બંદર ખમીર નજીક બે અમેરિકી ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું કે, આ ડ્રોન ઈરાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા, ત્યારબાદ તેમને નિશાન બનાવવામાં આવ્યા. ઈરાની સમાચાર એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ, બંને ડ્રોન LUCAS પ્રકારના હતા.
બંદર ખમીર ઈરાનના દક્ષિણ કિનારે આવેલો મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે, જે હોર્મુઝ સ્ટ્રેટની નજીક છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં અમેરિકી અને ઈરાની દળો વચ્ચે તણાવ વધ્યો છે. ડ્રોન તોડી પાડવાની ઘટના અને ટેન્કરો માઇન્સ સાથે અથડાવાની ઘટનાઓએ સમગ્ર વિસ્તારની સુરક્ષા અંગે ચિંતા વધારી છે.
આ ઘટનાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં પણ તણાવ વધ્યો છે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, હોર્મુઝમાં ત્રણ તેલ ટેન્કર માઇન્સ સાથે અથડાયા હતા. આ ટેન્કર 'અનધિકૃત રસ્તા' એટલે કે પરવાનગી વગરના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે આ ઘટના બની હતી. હોર્મુઝ વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, અને ઈરાન-અમેરિકા તથા ઈઝરાયલ સાથેના યુદ્ધ પછી આ માર્ગ પર અસર પડી છે.
આ દરમિયાન કતારે મધ્યસ્થતાના પ્રયાસો ચાલુ રાખવાની વાત કહી છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, સોમવારે રાત્રે તેહરાન ગયેલી મધ્યસ્થતા ટીમ દોહા પરત ફરી છે. જોકે ટીમ પરત આવ્યા બાદ પણ ઈરાન સાથે વાતચીત ચાલુ રહેશે. પ્રવક્તાએ કહ્યું કે, તણાવ વધારવા વિરુદ્ધ વિસ્તારના દેશો અને ખાડી દેશોનો અભિપ્રાય એકસરખો છે. બંને પક્ષો હવે પ્રસ્તાવ પર વિગતવાર અભ્યાસ કરી રહ્યા છે.
આ પહેલા અમેરિકી સેનાએ દક્ષિણ ઈરાનના કેશ્મ દ્વીપ પર હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ, આ હુમલો તેહરાનના હુમલાના જવાબમાં રક્ષણાત્મક હેતુથી કરવામાં આવ્યો હતો. રાત્રે કેશ્મ દ્વીપ પર વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. વોલ સ્ટ્રીટ જર્નલે દાવો કર્યો કે, આ ઘટના પાછળ અમેરિકી સશસ્ત્ર દળો હતા. અખબારના જણાવ્યા અનુસાર, અમેરિકી સેના છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈરાન વિરુદ્ધ નાના પાયે ગુપ્ત હુમલા કરી રહી હતી. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકી લડાયક વિમાને હોર્મુઝ પર ઉડી રહેલા એક અમેરિકી વિમાન પર ઈરાન તરફથી કથિત હુમલાના પ્રયાસના જવાબમાં દ્વીપ પર મિસાઇલ લોન્ચ સિસ્ટમને નિશાન બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં મથકોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા હતા. તેના જવાબમાં ઈરાને પણ હુમલા કર્યા હતા. જૂનના મધ્યમાં તેહરાન અને વોશિંગ્ટને દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, ત્યારપછી પણ બંને પક્ષોએ એકબીજા પર હુમલા ચાલુ રાખ્યા છે.