અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધ્યો છે. અમેરિકાએ ઈરાન સાથે સંકળાયેલા પાંચ ક્રૂડ ઓઈલ ટેન્કરોને નષ્ટ કર્યા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ વિસ્તારમાં 10 જહાજો પર હુમલો કર્યો છે.
IRGCના જણાવ્યા મુજબ, હુમલામાં બે અમેરિકન યુદ્ધજહાજ અને આઠ ઓઈલ ટેન્કરોને નિશાન બનાવાયા છે. તેણે દાવો કર્યો છે કે અમેરિકન નૌસેનાના વિધ્વંસક જહાજો DDG-119 અને DDG-53 પર સફળ મિસાઈલ હુમલા કર્યા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
ઈરાની સત્તાવાર ટીવી પર જાહેર કરાયેલા નિવેદનમાં IRGC નૌસેનાએ કુવૈત, જોર્ડન અને બહરીનના બંદરો પર હાજર તમામ ઓઈલ ટેન્કરોના ક્રૂને તાત્કાલિક જહાજ ખાલી કરવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે જ્યાં અમેરિકન સેનાની હાજરી છે અથવા જે બંદરો અમેરિકન કાર્યવાહીમાં સહયોગ આપી રહ્યા છે, ત્યાં ઊભેલા ટેન્કરોને નિશાન બનાવવામાં આવશે.
આ પહેલા અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઓમાનની ખાડી અને ખાર્ગ દ્વીપ નજીક ઈરાન સાથે જોડાયેલા પાંચ ક્રૂડ ઓઈલ ટેન્કરોને નષ્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે ઈરાને છેલ્લા બે દિવસમાં અમેરિકન સૈન્ય જહાજ પર બે વાર બેલેસ્ટિક મિસાઈલ દાગવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના ત્રણ ઓઈલ ટેન્કરો તબાહ કર્યા હતા.
દરમિયાન, ઈરાને અમેરિકાના એક અંડરવોટર ડ્રોનને કબજે કરવાનો દાવો કર્યો છે. પેન્ટાગોને આ દાવો ફગાવતા સ્પષ્ટતા કરી છે કે તે એક જૂનું મોડેલ હતું જે તકનીકી ખામીને કારણે એક દિવસ પહેલા બંદ પડી ગયું હતું. તેમાં કોઈ ગોપનીય માહિતી કે સંવેદનશીલ સાધનો નહોતા.
આ ઘટનાક્રમને પગલે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વકર્યો છે, અને હોર્મુઝ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષા અંગે ચિંતા સર્જાઈ છે.