નવી દિલ્હીમાં ચાલી રહેલા BRICS ચીફ જસ્ટિસ ફોરમ દરમિયાન ઈરાનના ચીફ જસ્ટિસ આયાતુલ્લા ગુલામ હુસૈન મોહસિની-એજેઈ શુક્રવારે ઐતિહાસિક જામા મસ્જિદ પહોંચ્યા હતા. તેમણે શાહી ઈમામ મૌલાના સૈયદ શાબાન બુખારી સાથે મુલાકાત કરી અને નમાજ અદા કરી હતી.
ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે દિલ્હીની જામા મસ્જિદ સુન્ની પરંપરાનું મુખ્ય કેન્દ્ર છે. આવા સમયે ઈરાનના સર્વોચ્ચ ન્યાયિક અધિકારીનું સુન્ની ઈમામની પાછળ સામાન્ય લોકો સાથે એક લાઈનમાં નમાજ પઢવી એ શિયા-સુન્ની સદ્ભાવ અને સાંસ્કૃતિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
નમાજ બાદ ત્યાં હાજર લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. શાહી ઈમામ સાથેની વાતચીતમાં ઈરાનના ચીફ જસ્ટિસે ભારત અને ઈરાન વચ્ચેના સદીઓ જૂના સંબંધોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે બંને દેશોના સંબંધો સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય અને ધાર્મિક સંપર્કોથી ઊંડાણપૂર્વક જોડાયેલા છે.
ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત આ ફોરમમાં 22 દેશોના ઉચ્ચ ન્યાયિક અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. ન્યાય પ્રણાલી, ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ જેવા મુદ્દે ચર્ચા થઈ રહી છે. ભારતના ચીફ જસ્ટિસ જસ્ટિસ સૂર્યકાંત રશિયા, ચીન, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી રહ્યા છે.
નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસમાં ભારતીય ધાર્મિક વિદ્વાનો સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે ઈરાને અમેરિકા કે ઈઝરાયલના દબાણ સામે ક્યારેય શરણાગતિ સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ ઝૂકશે નહીં.