સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાનની અમેરિકા સામે 7 શરતો: સાઉદી પર હુથી હુમલા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો

ઈરાનની અમેરિકા સામે 7 શરતો: સાઉદી પર હુથી હુમલા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં શનિવારે એર રેડ સાયરન વાગ્યા. યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોના કૂવાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની રજાઓ કેન્સલ કરી હતી. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ અમેરિકા પ્રવાસ વચ્ચે પાછા ફર્યા હતા. આ ઘટનાક્રમ દર્શાવે છે કે મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે.

ઈરાનની 7 શરતો

ઈરાને અમેરિકા સામે 7 આકરી શરતો મૂકી છે. ઈરાનના સુરક્ષા અધિકારી મોહસિન રઝાઈએ અમેરિકાને ચોખ્ખું કહ્યું છે કે, 'અમારી શરતો માનો નહીંતર નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર થઈ જાવ.' આ શરતો કતારની મદદથી મોકલવામાં આવી છે.

આ ધમકી બાદ મિડલ ઈસ્ટમાં અમેરિકાના તમામ દૂતાવાસોને હાઈ સિક્યોરિટી એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ઈરાને પોતાના દેશમાં પણ 'કોડ 100' જાહેર કર્યો છે, જે સૌથી ઊંચું લશ્કરી અને નાગરિક એલર્ટ સ્તર છે.

સાઉદીના મિત્રોની દગાબાજી?

સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને તુર્કી સાથે 'મક્કા ડિફેન્સ પેક્ટ' પર સહી કરી હતી. જોકે, હુથી હુમલા સમયે બંને દેશો પાછળ હટી ગયા હોવાની ચર્ચા છે. આથી સાઉદીએ અમેરિકા મારફતે ઈઝરાયલની મદદ માંગવી પડી હોવાનું કહેવાય છે.

આર્થિક રણનીતિ કે બ્લેકમેલ?

નિષ્ણાતોના મતે, ઈરાનની આ શરતો માત્ર ધમકી નથી, પણ તેની આર્થિક અને લશ્કરી રણનીતિનો ભાગ છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા ખરાબ રીતે તૂટી ગઈ છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી વધી રહી છે. જો ટ્રમ્પ શરતોમાંથી બે-ચાર પણ માની લે તો ઈરાનને અબજો ડોલરની મદદ મળી શકે છે, જે તે પોતાના પ્રોક્સી ગ્રુપ્સ (હુથી, હિઝબુલ્લા)ને મજબૂત કરવામાં વાપરી શકે છે.

ભારત પર શું અસર?

હુથી બળવાખોરોએ બાબ અલ-મંદેબ સ્ટ્રેટના કેટલાક ભાગો પર કબજો કરી લીધો છે. આ માર્ગથી દુનિયાના 20% તેલનો પુરવઠો અને યુરોપ-એશિયા વચ્ચેનો મોટાભાગનો વેપાર થાય છે. તંગદિલીને કારણે શિપિંગ રેટ આસમાને પહોંચ્યા છે અને કન્ટેનર ભાડું બમણું થયું છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ટ્રાફિક ઘટ્યો છે. યુદ્ધ પહેલા રોજ 125 જેટલા વ્યાપારી જહાજો પસાર થતા હતા, જે હવે ઘટીને 12 થઈ ગયા છે. જો સપ્લાય ચેઇન ઠપ્પ થાય તો ક્રૂડ ઓઈલના ભાવ વધશે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર સીધી અસર પડી શકે છે.