સત્ય. સાહસ. સંકલ્પ.

IPL શિયાળામાં રમાવો જોઈએ: KKR માલકિન જુહી ચાવલાનું નિવેદન

IPL શિયાળામાં રમાવો જોઈએ: KKR માલકિન જુહી ચાવલાનું નિવેદન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હાલમાં દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં યોજાય છે. પરંતુ હવે ટુર્નામેન્ટને શિયાળાની ઋતુમાં, એટલે કે જાન્યુઆરીમાં ખસેડવાની માંગ ઉઠી રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નાં સહ-માલિક જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર આ માંગણી કરી છે.

જુહી ચાવલાએ IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના પ્રસ્તાવને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ આટલી ગરમીમાં કેમ રમાય છે. જાન્યુઆરીમાં આયોજન થાય તો ખેલાડીઓ અને ચાહકો બંને માટે સારી પરિસ્થિતિ રહેશે, ક્રિકેટ પણ સારું રમાશે અને એકંદર અનુભવ સુધરશે, તેમ તેમણે જણાવ્યું.

‘X’ પરની પોસ્ટમાં જુહી ચાવલાએ લખ્યું, “IPLને હવે ક્રિકેટ કેલેન્ડરમાં પોતાનું સ્થાન શોધવાની જરૂર નથી. તેણે કેલેન્ડર પર પ્રભાવ પાડવાનો અધિકાર મેળવી લીધો છે. તો પછી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ આટલી કઠોર ગરમીમાં કેમ રમાવી જોઈએ? જો કેલેન્ડર પર ફરી વિચારણા થઈ રહી છે, તો એપ્રિલ-મેને બદલે જાન્યુઆરીમાં કેમ નહીં? સારી પરિસ્થિતિ, સારું ક્રિકેટ અને દરેક માટે સારો અનુભવ. IPL બદલાઈ ગયું છે, કદાચ હવે તેનું કેલેન્ડર પણ બદલવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે લલિત મોદીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ક્રિકેટ શિયાળામાં રમાવો જોઈએ એવી દલીલ કરી હતી. હવે એ જ દિશામાં IPLની એક ટીમનાં માલિકે જાહેરમાં અવાજ ઉઠાવ્યો હોવાથી આ ચર્ચાને નવો વેગ મળ્યો છે.