ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન પહેલાં ફ્રેન્ચાઇઝીઓ સામે નવો પડકાર ઊભો થઈ શકે છે. અહેવાલો મુજબ, ટીમ ઈન્ડિયાના કેટલાક સ્ટાર ખેલાડીઓએ રિટેન્શન માટે મોટી રકમની માંગ કરી છે. કહેવાય છે કે કેટલાક ખેલાડીઓ પોતાની ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા રહેવા માટે ₹40 કરોડ સુધીની રકમ ઈચ્છી રહ્યા છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો IPL ટીમોના બજેટ પર મોટી અસર પડી શકે છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, IPLના કેટલાક ટોચના ભારતીય ખેલાડીઓએ પોતાની ફ્રેન્ચાઇઝીઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો તેમને ₹40 કરોડ સુધીની રકમ આપવામાં આવશે તો જ તેઓ ટીમમાં રિટેન થવા તૈયાર થશે. ખેલાડીઓનું માનવું છે કે જો તેઓ રિટેન્શનના બદલે હરાજીમાં ઉતરે તો તેમને વધુ મોટી રકમનો કોન્ટ્રાક્ટ મળી શકે છે. આ જ કારણ છે કે કેટલાક ખેલાડીઓ હાલની રિટેન્શન વ્યવસ્થાને બદલે ઓક્શન માર્કેટમાં પોતાની કિંમત અજમાવવા ઈચ્છે છે.
ખેલાડીઓની આ વધતી માંગ પાછળ શ્રેયસ ઐયર અને ઋષભ પંતનાં ઉદાહરણને પણ મહત્વનું માનવામાં આવે છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલાં બંને ખેલાડીઓને તેમની જૂની ફ્રેન્ચાઇઝીઓએ રિટેન કર્યા નહોતા. ત્યારબાદ હરાજીમાં શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે ₹26.75 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે ₹27 કરોડની મોટી રકમ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સોદાઓએ સાબિત કર્યું કે હરાજીમાં ટોચના ભારતીય ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝીઓ મોટી રકમ ખર્ચવા તૈયાર છે.
અહેવાલો અનુસાર, IPL 2028 પહેલાં મેગા ઓક્શન યોજાવાની શક્યતા છે. આ દરમિયાન ફ્રેન્ચાઇઝીઓના કુલ પર્સમાં પણ વધારો થઈ શકે છે. હાલ ₹120 કરોડનું પર્સ ધરાવતી ટીમો માટે તેને વધારીને ₹150 કરોડ કરવાની ચર્ચા છે. જો પર્સ વધીને ₹150 કરોડ થાય અને ખેલાડીઓ ₹40 કરોડની રિટેન્શન ફી પર અડગ રહે, તો ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમનું સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓની આટલી મોટી માંગ સ્વીકારશે કે પછી તેમને હરાજીમાં ઉતારવાનો નિર્ણય લેશે? IPL 2028 પહેલાં રિટેન્શનને લઈને ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે રસપ્રદ ખેંચતાણ જોવા મળી શકે છે.