સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2028માં વડોદરાની ટીમ?: ₹8,900 કરોડની કિંમતની ચર્ચા, ગુજરાતને બીજી ફ્રેન્ચાઇઝી મળી શકે

IPL 2028માં વડોદરાની ટીમ?: ₹8,900 કરોડની કિંમતની ચર્ચા, ગુજરાતને બીજી ફ્રેન્ચાઇઝી મળી શકે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 2028ની સીઝનથી બે નવી ટીમો ઉમેરાઈ શકે છે. મીડિયા અહેવાલો મુજબ, બીસીસીઆઈ (BCCI) લીગના વિસ્તરણ પર વિચાર કરી રહ્યું છે. જો આમ થશે તો ટીમોની સંખ્યા 10થી વધીને 12 થઈ જશે.

નવી ટીમ માટે પુણે અને વડોદરાને સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. જોકે, આ વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને નવી ટીમના શહેરો અંગેનો અંતિમ નિર્ણય બદલાઈ પણ શકે છે.

IPLમાં છેલ્લી વખત 2022ની સીઝન પહેલાં બે નવી ટીમો સામેલ કરવામાં આવી હતી. લખનઉ સુપર જાયન્ટ્સને RPSG ગ્રુપે 940 મિલિયન ડોલરમાં ખરીદી હતી, જ્યારે ગુજરાત ટાઇટન્સની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સે 750 મિલિયન ડોલરમાં મેળવી હતી. ગુજરાત ટાઇટન્સે પોતાની પ્રથમ સીઝનમાં જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ IPL 2022નું ટાઇટલ જીત્યું હતું.

એક અહેવાલ મુજબ, નવી ફ્રેન્ચાઇઝીની કિંમત 1 બિલિયન ડોલર (લગભગ ₹8,900 કરોડ)થી વધુ હોઈ શકે છે. તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)નું વેચાણ 1.78 બિલિયન ડોલર અને રાજસ્થાન રોયલ્સનું વેચાણ લગભગ 1.65 બિલિયન ડોલરની વેલ્યુએશન પર થયું હતું.

નવી ટીમમાં રોકાણ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ, વેસ્ટ એશિયાના સોવેરિયન વેલ્થ ફંડ, અમેરિકન ફેમિલી ઓફિસ અને ભારતીય બિઝનેસ ગ્રુપ્સ રસ દાખવી રહ્યા છે. રિપોર્ટમાં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ પરમિરાનું નામ પણ સામેલ છે.

બે નવી ટીમો ઉમેરવાની ચર્ચા IPLના આગામી મીડિયા રાઇટ્સ સાયકલ (2028-2032) સાથે જોડાયેલી છે. વર્તમાન 2023-2027ના મીડિયા રાઇટ્સ 6.2 બિલિયન ડોલરમાં વેચાયા હતા.

જોકે, ટીમોની સંખ્યા વધારતાં પહેલાં BCCIએ ખેલાડીઓની ઉપલબ્ધતા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર અને બ્રોડકાસ્ટર્સની રુચિ જેવા પાસાઓ વિચારવા પડશે. નવી ટીમો જોડાવાથી મેચોની સંખ્યા પણ વધશે, જેના કારણે બ્રોડકાસ્ટિંગનો ખર્ચ વધી શકે છે.

પુણેમાં અગાઉ પણ બે IPL ફ્રેન્ચાઇઝી રમી ચૂકી છે. પુણે વોરિયર્સ ઇન્ડિયાએ 2011થી 2013 સુધી લીગમાં ભાગ લીધો હતો. ત્યારબાદ 2016 અને 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે IPL રમી હતી. ટીમ 2017માં ફાઇનલ સુધી પહોંચી હતી, જ્યાં તેને મુંબઈ ઇન્ડિયન્સ સામે 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.