ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 2028થી બે નવી ફ્રેન્ચાઇઝી સામેલ થઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, BCCI લીગના વિસ્તરણ પર વિચાર કરી રહ્યું છે. જો આવું થાય તો ટીમની સંખ્યા 10થી વધીને 12 થઈ જશે.
નવી ટીમની રેસમાં પુણે અને વડોદરાને સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે. નવી ટીમના શહેરો અંગેનો અંતિમ નિર્ણય બદલાઈ પણ શકે છે.
IPLમાં છેલ્લી વખત 2022ની સીઝન પહેલાં બે નવી ટીમ સામેલ કરવામાં આવી હતી. લખનઉ સુપર જાયન્ટ્સને RPSG ગ્રુપે 940 મિલિયન ડોલરમાં ખરીદી હતી. ગુજરાત ટાઇટન્સની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સે 750 મિલિયન ડોલરમાં મેળવી હતી. ગુજરાત ટાઇટન્સે પોતાની ડેબ્યૂ સીઝનમાં જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ IPL 2022નું ટાઇટલ જીત્યું હતું.
રિપોર્ટ અનુસાર, નવી ફ્રેન્ચાઇઝીની કિંમત 1 બિલિયન ડૉલર (લગભગ 8,900 કરોડ રૂપિયા)થી વધુ હોઈ શકે છે. આ તાજેતરમાં થયેલા સોદાઓ કરતાં ઘણી ઊંચી છે. RCBનું તાજેતરનું વેચાણ 1.78 બિલિયન ડોલર અને રાજસ્થાન રોયલ્સનું વેચાણ લગભગ 1.65 બિલિયન ડોલરની વેલ્યુએશન પર થયું હતું.
નવી ટીમમાં રોકાણ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ, વેસ્ટ એશિયાના સોવેરિન વેલ્થ ફંડ, અમેરિકન ફેમિલી ઑફિસ અને ભારતીય બિઝનેસ ગ્રુપ્સ રસ દાખવી રહ્યા છે. રિપોર્ટમાં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ પરમિરાનું નામ પણ સામેલ છે.
બે નવી ટીમને સામેલ કરવાની ચર્ચા IPLના આગામી મીડિયા રાઇટ્સ સાયકલ (2028-2032) સાથે જોડાયેલી છે. વર્તમાન 2023-2027ના મીડિયા રાઇટ્સ 6.2 બિલિયન ડોલરમાં વેચાયા હતા.
જોકે, ટીમની સંખ્યા વધારતાં પહેલાં BCCIએ ખેલાડીઓની ઉપલબ્ધતા, ઇન્ટરનેશનલ ક્રિકેટ કેલેન્ડર અને બ્રોડકાસ્ટર્સની રુચિ જેવા પાસાઓ પર વિચાર કરવો પડશે. નવી ટીમ જોડાવાથી મેચની સંખ્યા પણ વધશે, જેના કારણે બ્રોડકાસ્ટિંગનો ખર્ચ વધી શકે છે.
પુણેમાં આ પહેલાં બે IPL ફ્રેન્ચાઇઝી રમી ચૂકી છે. પુણે વૉરિયર્સ ઇન્ડિયાએ 2011થી 2013 સુધી લીગમાં ભાગ લીધો હતો. ત્યારબાદ 2016 અને 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે IPL રમી હતી. ટીમ 2017માં ફાઇનલ સુધી પહોંચી હતી, જ્યાં તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે 1 રનથી હાર મળી હતી.