ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની સીઝન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ મંગળવાર, 17 નવેમ્બરે પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરશે. BCCIએ આ યાદી સોંપવાની અંતિમ તારીખ નક્કી કરી છે, પરંતુ જાહેરાતનો ચોક્કસ સમય નક્કી કર્યો નથી. છેલ્લાં કેટલાંક વર્ષોના ટ્રેન્ડ પ્રમાણે ટીમો સાંજે 5 વાગ્યા પછી યાદી જાહેર કરી શકે છે. ચાહકોએ ટીમોની સત્તાવાર વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ પર નજર રાખવી પડશે.
IPL 2027ની મીની હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાની છે. તે પહેલાં તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની સત્તાવાર યાદી BCCIને સોંપવાની રહેશે. આ યાદી ટીમો પોતાની વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા પર પણ જાહેર કરશે.
રિટેન્શન લિસ્ટ પહેલાં જ ટ્રેડ વિન્ડો હેઠળ 10 ખેલાડીઓની ટીમો બદલાઈ ચૂકી છે. રિષભ પંત લખનૌથી દિલ્હી ગયા છે, જ્યારે કુલદીપ યાદવ દિલ્હીથી લખનઉ પહોંચ્યા છે. ટી નટરાજન દિલ્હીથી હૈદરાબાદ અને ઝીશાન અંસારી હૈદરાબાદથી દિલ્હી ગયા છે. લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ હૈદરાબાદથી ચેન્નાઈ, જ્યારે ખલીલ અહેમદ અને નાથન એલિસ ચેન્નાઈથી હૈદરાબાદમાં જોડાયા છે.
આ ઉપરાંત, હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ સિંહ પંજાબથી મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા છે. બંને ખેલાડીઓનો પગાર 18 કરોડ રૂપિયા છે. ટ્રેડના નિયમો હેઠળ ફ્રેન્ચાઇઝીઓ પરસ્પર વાટાઘાટો કરીને ખેલાડીઓની આપ-લે કરી શકે છે. રોકડ સોદો પણ શક્ય છે અને ખેલાડીની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.
હવે 17 નવેમ્બરે જાહેર થનારી યાદીથી સ્પષ્ટ થશે કે કઈ ટીમે કયા ખેલાડીઓને જાળવી રાખ્યા છે અને કોને મુક્ત કર્યા છે. આ યાદી પરથી મીની હરાજીમાં કયા ખેલાડીઓ ઉપલબ્ધ થશે તેની પણ જાણકારી મળશે.