ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 સીઝન માટે તમામ 10 ફ્રેન્ચાઇઝીએ પોતાના રિટેન ખેલાડીઓની યાદી ફાઇનલ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે આની સત્તાવાર જાહેરાત કરી. આ વખતે કુલ 184 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે, જેમાં 55 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે આગામી મહિને યોજાનારી હરાજીમાં 66 ખાલી જગ્યાઓ માટે બોલી લાગશે.
તમામ ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓને રિટેન કરવા પર કુલ 1,002.05 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હરાજી માટે તેમની પાસે સંયુક્ત રીતે 297.95 કરોડ રૂપિયાનું પર્સ બચ્યું છે. 10 ટીમોમાં કુલ 66 સ્લોટ ખાલી છે, જેમાં 25 વિદેશી ખેલાડીઓની જગ્યા સામેલ છે.
ગુજરાત ટાઇટન્સ (GT)એ સૌથી વધુ 22 ખેલાડીઓને રિટેન કર્યા છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પાસે સૌથી વધુ સાત વિદેશી ખેલાડીઓ છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR)એ 19-19 ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે.
હરાજી પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયા બચ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 41.65 કરોડ રૂપિયા સાથે બીજા અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) 40.15 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ (DC) પાસે 39.50 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી ઓછા 8.75 કરોડ રૂપિયા બચ્યા છે.
16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી મિની ઓક્શનમાં કાવ્યા મારન અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નું મેનેજમેન્ટ નવેસરથી પોતાની રણનીતિ બનાવશે. ટ્રેવિસ હેડના હટવા અને પર્સમાં 14 કરોડ રૂપિયા ઉમેરાયા બાદ ફ્રેન્ચાઇઝીનું મુખ્ય ધ્યાન કેટલાક ખાસ ખેલાડીઓને ટાર્ગેટ કરવા પર રહેશે. અભિષેક શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા માટે એક આક્રમક વિદેશી અથવા ભારતીય ઓપનરની સખત જરૂર રહેશે, જે પાવરપ્લેમાં વિપક્ષી બોલરો પર દબાણ બનાવી શકે. ટીમ પોતાના મિડલ ઓર્ડરને વધુ મજબૂત કરવા માટે કોઈ શ્રેષ્ઠ ફિનિશર અથવા અનુભવી ઓલરાઉન્ડર પર મોટો દાવ રમી શકે છે.
એવામાં કાવ્યા મારન ઓક્શન ટેબલ પર શાઇ હોપ જેવા ખેલાડીઓને ટાર્ગેટ કરી શકે છે. હોપ હાલમાં જબરદસ્ત ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે અને તે હેડની જેમ ટીમને તોફાની શરૂઆત અપાવી શકે છે. આ ઉપરાંત ટીમને કેટલાક વધુ મેચ વિનર ખેલાડીઓની જરૂર રહેશે, જેના માટે રિટેન્શન બાદ ઉપલબ્ધ ખેલાડીઓને જોતા ટીમ રણનીતિ બનાવી શકે છે.